વાવાઝોડાએ ભયાનક રુપ ધારણ કર્યું, હવે આ વિસ્તારોમાં પડશે વરસાદ
HD ન્યુઝ ડેસ્કઃ અરબ સાગરમાં ઉદભવેલું બિપરજોય વાવાઝોડું વધારે તીવ્ર બન્યું છે. બિપોરજોય વાવાઝોડું હાલ પોરબંદરના દરિયાકાંઠેથી 540 કિલોમીટર દૂર છે.આ વાવાઝોડાની દિશા હાલ ગુજરાત અને પાકિસ્તાન વચ્ચે છે. મહત્વની વાત તો એ આ વાવાઝોડુ જેમ જેમ આગળ વધતું જાય છે તેમ તેમ તે વધુ વિનાશક રુપ ધારણ કરી રહ્યું છે. વાવાઝોડાની અસરને પગલે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડે તેવી પણ શક્યતા છે.
તોફાન અંગે સાવચેતઃ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વાવાઝોડું પોરબંદરના દરિયા કિનારાથી 540 કિલોમીટર દૂર છે. આગામી 24 કલાકમાં વાવાઝોડું વધુ મજબૂત બનશે અને વાવાઝોડાના લેન્ડફોલની દિશા ખબર પડશે. ‘બિપરજોય’ ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના વચ્ચે ભારતીય કોસ્ટ ગાર્ડે ગુજરાત, દમણ અને દીવના દરિયાકાંઠે આવેલા માછીમારો અને ખલાસીઓને આગામી 5 દિવસ સુધી દરિયામાં ન જવાની સલાહ આપી છે. છેલ્લા એક સપ્તાહથી ભારતીય કોસ્ટ ગાર્ડના અધિકારીઓ માછીમારો સાથે નિયમિત સંપર્ક જાળવી રહ્યા છે અને તોફાન અંગે સાવચેત કરી રહ્યાં છે.
અહીં પડશે ધોધમાર વરસાદઃ 11 થી 14 જુન સુધી પોરબંદર, દ્વારકા. જુનાગઢ, સુરત, નર્મદા , ભરૂચ ,ડાંગ , નવસારી , વલસાડ , તાપી તથા ભાવનગરમા ધોધમાર વરસાદ પડવાની શક્યતાઓ છે.
NDRF ની ટીમો ખડેપગેઃ હાલ તો હવામાન વિભાગ જણાવી રહ્યું છે કે વાવાઝોડુ ગુજરાતને ટકરાઈ તેવી શક્યતાઓ ઘણી ઓછી છે. પરંતુ સાવચેતીના ભાગ રુપે પ્રશાશન એલર્ટ મોડ પર છે. NDRF ની ટીમો ખડેપગે છે અને જરુર જણાશે તો દરિયા કાંઠાના વિસ્તારોમાંથી સ્થાંળાંતર પણ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ બિપરજોય વાવાઝોડું આવે ત્યારે શું કરવું? જાણો આ અહેવાલમાં