- રાષ્ટ્રીય રાજધાનીમાં સેવાઓના નિયંત્રણ અંગેના કેન્દ્રના વટહુકમ સામે શક્તિ પ્રદર્શન
- રેલીના સ્ટેજને ભગતસિંહ અને આંબેડકરના પ્રતિક કલરનું રૂપ અપાયું
- CM કેજરીવાલ પ્રદેશ સાથે થતા અન્યાય બાબતે અન્ય પક્ષોનું મેળવતા સમર્થન
દિલ્હીના રામલીલા મેદાનમાં આવતીકાલે આમ આદમી પાર્ટીની મહા રેલી યોજવા જઈ રહી છે. જેના માટે મંચ તૈયાર થઈ ગયો છે. આ રેલીના આયોજકોના જણાવ્યા અનુસાર આ મંચનું 90 ટકા કામ થઈ ગયું છે. આ રેલી રાષ્ટ્રીય રાજધાનીમાં સેવાઓના નિયંત્રણ અંગેના કેન્દ્રના વટહુકમ સામે શક્તિ પ્રદર્શન છે.
શા માટે કેજરીવાલ કરી રહ્યા છે મહારેલી
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રએ 19 મેના રોજ એક વટહુકમ બહાર પાડ્યો હતો, જેમાં નેશનલ કેપિટલ સિવિલ સર્વિસ ઓથોરિટીની સ્થાપના કરવામાં આવી હતી અને સેવા-સંબંધિત બાબતો પર એક્ઝિક્યુટિવ નિયંત્રણનો ફરીથી દાવો કર્યો હતો. આ પછી, દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ વટહુકમ સામે તેમનું સમર્થન મેળવવા માટે બિન-ભાજપ પક્ષોના નેતાઓ સાથે સંપર્ક કરી રહ્યા છે. રામલીલા મેદાનમાં રવિવારની રેલી કેન્દ્ર સરકાર સામેની લડાઈને વધુ મજબૂત બનાવવાની છે.
મોદી સરકારના વટ હુકમનો વિરોધ
AAP સ્વયંસેવકોના જણાવ્યા અનુસાર, રેલીનું કેન્દ્ર મંચ પીળા અને વાદળી રંગમાં શણગારેલું છે, જે ભગત સિંહ અને ભીમરાવ આંબેડકરનું પ્રતીક છે. AAPના એક નેતાએ મીડિયા સાથેની વાતચીતમાં ખુલાસો કર્યો કે લગભગ 1 લાખ લોકો માટે તૈયારીઓ કરવામાં આવી છે. આ ઉપરાંત આપના રાષ્ટ્રીય કાર્યકારી સભ્ય આદિલ ખાને જણાવ્યું હતું કે, આઠ વર્ષ પહેલાં દિલ્હીની જનતાએ AAPને તેમનો જનાદેશ આપ્યો હતો અને અરવિંદ કેજરીવાલ મુખ્ય પ્રધાન બન્યા હતા. જો કે, ત્રણ મહિના પછી કેન્દ્ર દ્વારા દિલ્હી સરકારની સત્તામાં ઘટાડો કરવામાં આવ્યો હતો. હવે આઠ વર્ષ પછી અમે ફરીથી કોર્ટ દ્વારા કેટલીક સત્તાઓ પ્રાપ્ત કરી છે. પરંતુ મોદી સરકાર પાછલા બારણેથી દિલ્હી સરકારની સત્તાને વધુ ઘટાડવા માટે વટહુકમ લાવી છે જેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.