ગુજરાત

ડીસા ઓવરબ્રિજ પાસે વાહન બચાવવા જતા ટ્રેલર ભેખડ સાથે ટકરાયું

Text To Speech

પાલનપુર: ડીસા- પાલનપુર હાઈવે પર વહેલી સવારે ઓવરટેક કરી રહેલા એક વાહનને બચાવવા જતા ટ્રેલરના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. જેને લઇને ટ્રેલર નજીક આવેલા રેતીના ઢોરા સાથે અથડાઈને અટકી ગયું હતું. સદભાગ્યે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ ન હતી.

ઓવરબ્રિજ ઉપરથી સવારે રોંગ સાઈડ આવતા વાહનો જોખમ રૂપ બન્યા
ડીસા થી પાલનપુર તરફ જતા નવા બનેલા એલિવેટેડ ઓવર બ્રિજના છેડે મંગળવારે વહેલી સવારે એક અકસ્માતની ઘટના બની હતી. જેમાં પાલનપુર તરફથી રાધનપુર તરફ જઈ રહેલા એક ટ્રેલરને પુલ ઉપર ચઢવાનું હતું. આ દરમિયાન પાછળ આવી રહેલું એક વાહન ઓવરટેક કરી રહ્યું હતું. આ વાહનને બચાવવા જતા ટ્રેલર સીધું જ વીજળીના થાંભલા સાથે ધડાકાભેર અથડાઇ ગયુ હતું. અને સર્વિસ રોડ તરફ આગળ જઈને માટીની ભેખડ સાથે ટકરાયુ હતું. આ ઘટનાના પગલે આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા. અને પોલીસને જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યારે ટ્રેલરને ખસેડવા માટે ક્રેઇનની મદદ લેવી પડી હતી. જોકે આ અકસ્માતમાં સદભાગ્યે કોઈને ઈજા થવા પામી ન હતી.

રોંગ સાઈડ આવતા વાહનો બંધ કરાવો
ડીસા -પાલનપુર એલિવેટેડ ઓવર બ્રિજ પર વીજળીના થાંભલા છે, પરંતુ હજુ લાઈટ શરૂ કરવામાં આવી નથી. જેથી રાત્રિના સમયે બ્રિજ ઉપર અંધકાર રહે છે. જ્યારે સવારના સમયે આ ઓવર બ્રિજ પરથી ટ્રેક્ટર અને અન્ય વાહનો માર્કેટયાર્ડ તરફ જવા માટે રોંગ સાઈડ આવતા હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે. જેથી સામેથી આવતા વાહન ચાલક હેડલાઇટ ના કારણે અંજાઈ જાય છે. ત્યારે પણ આવી અકસ્માતની ઘટના બનતી હોવાનું લોકોએ જણાવ્યું હતું. જેથી નેશનલ હાઈવે ઓથોરિટીએ વહેલી તકે ઓવરબ્રિજની તમામ સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવાની જરૂર છે તેમજ રોંગ સાઈડ આવતા વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની જરૂર છે.

Back to top button