ગુજરાતફૂડહેલ્થ

રાજ્ય સરકારની દૂધ સંજીવની યોજના આદિજાતિ બાળકોના વિકાસ માટે સંજીવની સાબિત થઈ

  • 14 જિલ્લાઓમાં ધો.1 થી 8માં અભ્યાસ કરતાં 8724 શાળાઓના 7.64 લાખ વિદ્યાર્થીઓને લાભ
  • યોજના પાછળ રૂા.11266 લાખનો ખર્ચ
  • તત્કાલિન મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2007માં બે તાલુકાથી શરૂ કરી હતી યોજના
  • હાલ આ યોજનામાં હવે 14 જિલ્લાના 52 તાલુકાને આવરી લેવાયા

આદિજાતિ વિસ્તારના બાળકોના વિકાસ માટે રાજ્ય સરકારની ‘દૂધ સંજીવની યોજના’ સાચા અર્થમાં ‘સંજીવની’ સાબિત થઇ છે. ‘સ્વસ્થ્ય મન માટે સ્વસ્થ્ય શરીર જરૂરી છે’ આ મંત્રને સાકાર કરવાના ઉમદા હેતુથી આદિજાતિ વિસ્તારો તેમજ વિકાસશીલ તાલુકાઓમાં પ્રાથમિક શાળાના ભૂલકા-બાળકો માટે ગુજરાત સરકાર દ્વારા સ્વાદિષ્ટ ફ્લેવર્ડ દૂધ આપતી ‘દૂધ સંજીવની યોજના’ અમલી બનાવી છે. તત્કાલીન મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આદિજાતિ વિસ્તારના ધોરણ-1 થી 8ના બાળકોને નાની વયે જ પોષણક્ષમ આહાર આપવાના ઉદ્દેશ્ય સાથે આ યોજનાનો તા. 9 ફેબ્રુઆરી 2007ના રોજ ગુજરાતમાં સૌ પ્રથમ દાંતા અને અમીરગઢ તાલુકાથી શુભારંભ કરવામાં આવ્યો હતો. માત્ર બે તાલુકાથી શરૂ થયેલી આ યોજનામાં હવે અંબાજીથી ઉમરગામ સુધીના આદિજાતિ વિસ્તારના 14 જિલ્લાના કુલ 52 તાલુકાઓને આવરી લેવામાં આવ્યા છે.

ચાલુ વર્ષે 11266 લાખનો ખર્ચ કર્યો

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગત વર્ષ 2022-23માં આ યોજના હેઠળ રૂ.11266 લાખના ખર્ચે આદિજાતિ વિસ્તારના ધોરણ-1 થી 8માં અભ્યાસ કરતા 8724 શાળાઓના કુલ 7.64 લાખથી વધુ બાળકોને લાભ આપવામાં આવ્યો છે. આ યોજના હેઠળ વર્ષ 2014-15 થી 2022-23 સુધીમાં કુલ રૂા.768 કરોડથી વધુના ખર્ચે કુલ 74.71 લાખ આદિજાતિ બાળકોને આવરી લેવાયા છે. યોજનાની સફળતાને કેન્દ્ર સ્થાને રાખીને બાળકોના હિતમાં ‘દૂધ સંજીવની યોજના’ માટે ચાલુ વર્ષના બજેટમાં ગુજરાત સરકારે 52 આદિજાતિ તાલુકાના અંદાજે કુલ 8 લાખ બાળકોને શારીરિક અને માનસિક પોષણ મળી રહે તે માટે રૂ.144 કરોડથી વધુ રકમની માતબર જોગવાઈ પણ કરી છે.

ક્યાં તત્વોની કેટલી માત્રા હોય છે દૂધમાં .

‘દૂધ સંજીવની યોજના’ હેઠળ આદિવાસી તાલુકાઓની પ્રાથમિક શાળાઓમાં જતા આદિવાસી બાળકોના પોષણ સ્તરમાં વધુને વધુ સુધારો કરવા વિટામીન, પ્રોટીન, કેલ્શિયમ તેમજ ક્ષાર જેવા તત્વોની ઉણપ હોય તો તે દૂર કરીને આરોગ્યમાં સુધારો લાવવા વિદ્યાર્થીઓને બાળકદીઠ અઠવાડિયાના પાંચ દિવસ વર્ષના 10 માસ એટલે કે વાર્ષિક 200 દિવસ ફ્લેવર્ડવાળું 200 ગ્રામ ચોખ્ખું દૂધ આપવામાં આવે છે. આ 3 ટકા ફેટવાળા દૂધમાં નિયમિત 24 ગ્રામ કાર્બોહાઈડ્રેટ, 7 ગ્રામ પ્રોટીન, 500 IU વિટામીન-એ અને 40 IU વિટામીન-ડી ઉમેરીને ગુણવતાયુક્ત દૂધ બાળકોને આપવામાં આવે છે. ગુજરાતમાં ‘દૂધ સંજીવની યોજનાના’ અમલથી આ વિસ્તારના આદિજાતિ બાળકોના સ્વાસ્થ્ય ઉપર કેવા પ્રકારની હકારાત્મક અસરો-ફાયદા થયા છે તેનો આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર, અમદાવાદ દ્વારા વિગતવાર અભ્યાસ કરાયો હતો. અભ્યાસના તારણમાં આ વિસ્તારની શાળાઓમાં બાળકોના ડ્રોપ આઉટ રેશિયામાં ઘટાડો, અધવચ્ચેથી શાળાઓ છોડી જતા બાળકોના પ્રમાણમાં ઘટાડો,બાળકોની હાજરીની નિયમિતતામાં વધારો,બાળકોના સ્વાસ્થ્યમાં સુધારો તેમજ ખાસ કરીને આંખોમાં તેજ અને દ્રષ્ટિમાં વધારો જોવા મળ્યો છે.

યોજનાનો લાભ લેવામાં દાહોદ પ્રથમક્રમે

ઉલ્લેખનીય છે કે, આદિજાતિ વિકાસ ઉપરાંત મહિલા-બાળ વિકાસ તેમજ શિક્ષણ વિભાગના સંયુક્ત પ્રયાસોથી વર્ષ 2022-23માં આ યોજના હેઠળ સૌથી વધુ બાળકોને લાભ આપવામાં પ્રથમ પાંચ જિલ્લાઓમાં સૌથી વધુ 1.84 લાખ બાળકો સાથે સમગ્ર રાજ્યમાં દાહોદ પ્રથમ ક્રમે છે. જ્યારે 81811 બાળકો સાથે વલસાડ બીજા, 64955 સાથે સુરત ત્રીજા, 61700 સાથે સાબરકાંઠા ચોથા અને 56328 બાળકો સાથે તાપી પાંચમા ક્રમે છે.

Back to top button