- શક્તિસિંહ ગોહીલ હાલમાં રાજ્યસભામાં સાંસદ
- અગાઉ ભાવનગરના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે
- ક્ષત્રિય સમાજનું કોંગ્રેસમાં વધુ એકવાર પ્રભુત્વ સાબિત થયું
- પક્ષમાં શક્તિસિંહ નિર્વિવાદિત ચેહરો
ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ પક્ષમાં પ્રદેશ પ્રમુખને લઈ વિવાદ ચાલતો હતો અને નવા પ્રમુખ નિમવાની માંગ ઉઠી હતી જેના પગલે હાલમાં જ પ્રદેશ કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે પક્ષના સૌથી સિનિયર નેતા શક્તિસિંહ ગોહિલની પસંદગી કરવામાં આવી છે. તેઓ રાજ્યસભામાં સાંસદ છે. ઉપરાંત કેન્દ્રીય કક્ષાએ પણ પક્ષમાં અનેક જવાબદારીઓ સાંભળી રહ્યા છે. શક્તિસિંહ ગોહિલને ગુજરાત કોંગ્રેસના નવા અધ્યક્ષ બનાવવામાં આવતા ફરી એકવાર પક્ષમાં ક્ષત્રિય સમાજનું વર્ચસ્વ સાબિત થઈ ગયું છે.તેઓ જગદીશ ઠાકોરના અનુગામી બન્યા છે. ત્યારે તેમને ઠેરઠેરથી શુભેચ્છાઓ વરસી રહી છે. તેઓ ભાવનગરના ધારાસભ્ય પણ રહી ચુક્યા છે અને હાલ રાજ્યસભાના સાંસદ છે.
નવા પ્રદેશ અધ્યક્ષનો પરિચય
ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ અધ્યક્ષનો પરિચય આમ તો આપવાની જરૂર નથી પરંતુ જો તમે ન જાણતા હોય તો તમને જણાવી દઈએ શક્તિસિંહ હરીશચંદ્રસિંહજી ગોહિલ એક કોગ્રેંસમા સક્રિય રાજકારણી છે. જેઓ હાલમાં રાજ્યસભાના સંસદ સભ્ય છે. શક્તિસિંહે 1991થી 1995 દરમિયાન સતત બે રાજ્ય સરકારોમાં નાણાં, આરોગ્ય, શિક્ષણ, નર્મદા પ્રધાન તરીકે સેવા આપી હતી. તેમણે ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષોનું નેતૃત્વ 2007થી 2012 સુધીમાં વિપક્ષી નેતા તરીકે કર્યું હતું. શક્તિસિંહનો જન્મ 4 એપ્રિલ 1960ના રોજ ભાવનગર જિલ્લાના લીમડા ખાતે થયો હતો. તે ગુજરાતના સૌરાષ્ટ્ર ક્ષેત્રના લીમડા રાજ્યના પૂર્વ રજવાડાના રાજવી પરિવારના મોટા પુત્ર છે. શક્તિસિંહે ભાવનગર યુનિવર્સિટીમાંથી રસાયણશાસ્ત્ર વિશેષતા સાથે વિજ્ઞાનમાં સ્નાતકની પદવી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી કાયદામાં સ્નાતક થયા છે.
લોકસભા ચૂંટણી પહેલા મોટો દાવ, સમીકરણો બદલાવવાની શકયતા
આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે ગુજરાતના નવા પ્રભારી અને રાજ્યના પ્રદેશ અધ્યક્ષની નિમણૂક કરવા માટે ચર્ચા ચાલતી હતી. કોંગ્રેસના ગુજરાત પ્રભારી રઘુ શર્માએ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીની અત્યાર સુધીની સૌથી ખરાબ હાર બાદ રાજીનામું આપ્યું હતું, કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણીમાં 182માંથી માત્ર 17 બેઠકો જીતી હતી. હાર બાદ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ રાજીનામું આપવાની ઓફર કરી હતી. જોકે, કોંગ્રેસે આ મામલે એ સમયે નિર્ણય લીધો ન હતો. હવે શક્તિસિંહ ગોહિલ નવા અધ્યક્ષ બનતાં ગુજરાતના રાજકીય સમીકરણો બદલાઈ જાય તેવી પૂરી સંભાવના સેવાઈ રહી છે.
અન્ય જવાબદારીમાંથી કરાશે મુક્ત
શક્તિસિંહ ગોહિલને ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. હાલમાં સાંસદ તરીકેની જવાબદારી ઉપરાંત તેઓ દિલ્હી અને હરિયાણાના પ્રભારી પણ છે. પરંતુ અધ્યક્ષ બન્યા બાદ આગામી દિવસોમાં તેઓને આ જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવશે તેવું પ્રદેશ કક્ષાએથી જાણવા મળ્યું છે.
પાટીદારો તેમજ અન્ય સમાજના નેતાઓનું નામ ચાલતું હતું
ઉલ્લેખનીય છે કે, શક્તિસિંહ ગોહિલને પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવે તેવું ક્યાંય પણ ચર્ચામાં આવતું ન હતું. અહીં આ વખતે પરેશ ધાનાણી અને દીપક બાબરીયા જેવા નેતાઓના નામોની વિચારણા ચાલતી હતી. આ ઉપરાંત અન્ય સમાજના આગેવાનોની ચર્ચા પણ ચાલતી હતી.