મોરબી ઝૂલતા પુલ કેસઃ બે આરોપીને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન; એક શરતે મળી રાહત
મોરબી : મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસ મામલે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આ કેસમાં ગુજરાત હાઈકોર્ટે બન્ને ટિકિટ ક્લાર્કને રાહત આપી છે, પોલીસ તપાસમાં સહકાર આપવાની શરતે કોર્ટે બન્ને ક્લાર્કની નિયમિત જામીન માટે કરેલી અરજી માન્ય રાખી છે.
ટિકિટ વેચવાનું કામ કરતા બે ક્લાર્કને હાઈકોર્ટે આપી રાહત
મળતી માહિતી મુજબ મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં ઝૂલતા પુલની ટિકિટ વેચવાનું કામ કરતા ક્લાર્ક મહાદેવ સોલંકી અને મનસુખ ટોપિયાની નિયમિત જામીન અરજી હાઈકોર્ટે માન્ય રાખી છે. પોલીસ તપાસમાં સહકાર આપવાની શરતે ગુજરાત હાઇકોર્ટ બન્ને ટિકિટ ક્લાર્કને રાહત આપી છે. ઉલ્લેખનીય છે કે ઝૂલતા પુલ દુર્ઘટનામાં બેદરકારી રાખીને ટિકિટ વેચી હોવા મામલે પોલીસે બંનેની પોલીસે ધરપકડ કરી હતી. આ ઘટનામાં તેઓએ દુર્ઘટનાના દિવસે 3165 ટિકિટ વેચી હોવાનો તપાસમાં ખુલાસો પણ થયો હતો.
જયસુખ પટેલને જેલ હવાલે
મોરબીની મચ્છુ નદી પર આવેલા ઝૂલતા પુલનું નવીનીકરણ ઓરેવા કંપનીએ કર્યું હતું. રૂ. 2 કરોડના ખર્ચે નવીનીકરણ કર્યાના 5 દિવસની અંદર જ આ પુલ તૂટી પડ્યો હતો. જેમાં લગભગ 135 જેટલા લોકો કાળનો કોળિયો બની ગયા હતા. આ મામલે ગત 27 જાન્યુઆરીએ સેશન્સ કોર્ટમાં કુલ 1262 પાનાની ચાર્જશીટને પોલીસે કોર્ટમાં રજૂ કરી હતી. જેમાં જયસુખ પટેલે અંગત સ્વાર્થ માટે પુલને અધૂરા સમારકામે ખુલ્લો મુક્યો હોવાનો ખુલાસો થયો હતો. અને આ પુલની મરામત મામલે લાપરવાહી દાખવવામાં આવી હતી. જેથી આ કેસના આરોપી જયસુખ પટેલના રિમાન્ડ પૂર્ણ થતાં ગત 8 ફેબ્રુઆરીએ મોરબીની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં એને રજૂ કરાયો હતો. ત્યારે પોલીસે વધુ રિમાન્ડની માંગ ન કરતા જયસુખ પટેલને જેલ હવાલે કરાયો હતો.
આ પણ વાંચો : Nirmala Sitharaman : સીતારમણે જેને પોતાની દિકરી સોંપી તે પ્રતીક દોશી કોણ ? PM મોદી સાથે છે ખાસ સંબંધ