નેશનલ

સુપ્રીમ કોર્ટે ઓળખ આપ્યા વગર ₹2000ની નોટો બદલવા સામેની અરજીની તાત્કાલિક સુનાવણીનો કર્યો ઇનકાર

સુપ્રિમ કોર્ટે 2,000 રૂપિયાની નોટોને કોઈપણ ઓળખ કે આઈડી પ્રૂફ આપ્યા વગર બદલવા સામેની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે અરજીકર્તાને 2 જુલાઈના ઉનાળાના વેકેશન પછી ચીફ જસ્ટિસ પાસેથી સુનાવણીની વિનંતી કરવા જણાવ્યું હતું.

આ કેસમાં અરજદાર એડવોકેટ અશ્વિની ઉપાધ્યાય છે.

ન્યાયમૂર્તિ અનિરુદ્ધ બોઝ અને ન્યાયમૂર્તિ રાજેશ બિંદલની આગેવાની હેઠળની બે સભ્યોની વેકેશન બેન્ચે જણાવ્યું હતું કે, “પહેલેથી જ એક સંકલન બેન્ચે ઉનાળાની રજાઓ પછી CJI સમક્ષ તેનો ઉલ્લેખ કરવાનો નિર્દેશ આપ્યો હતો. અમે તેને સુનાવણી માટે સૂચિબદ્ધ કરી શકતા નથી.”

આ પહેલા 1 જૂનના રોજ સુપ્રીમ કોર્ટે આ જ મામલાને લગતી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો.

એડવોકેટ અશ્વિની ઉપાધ્યાયની અરજી પર જસ્ટિસ સુધાંશુ ધુલિયા અને કેવી વિશ્વનાથનની વેકેશન બેન્ચે કહ્યું હતું કે આ એવો મામલો નથી કે જેની તાત્કાલિક સુનાવણી કરવાની જરૂર છે. તે સમયે પણ બેન્ચે ઉનાળુ વેકેશન બાદ સુનાવણી હાથ ધરવા વિનંતી કરી હતી.

આ પણ વાંચો- ટ્રમ્પે અમેરિકા માટે ગણાવ્યો કાળો દિવસ; કહ્યું- ‘આપણે એક દેશના રૂપમાં કરી રહ્યાં છીએ અધોગતિ’

અશ્વિની ઉપાધ્યાયે દિલ્હી હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી છે જેમાં RBIના 2,000 રૂપિયાની નોટ બદલવાના નિર્ણયની પુષ્ટિ કરવામાં આવી છે. ઉપાધ્યાયે દિલ્હી હાઈકોર્ટમાં ઓળખ પત્ર વગર બે હજાર રૂપિયાની નોટો બદલવાના વિરોધમાં અરજી દાખલ કરી હતી.

ઉલ્લેખનિય છે કે 19 મે, 2022 ના રોજ RBIએ 2000 રૂપિયાની ચલણી નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. તે સમયે RBIએ દલીલ આપી હતી કે, Clean Note Policy હેઠળ RBIએ 2000 રૂપિયાની નોટોને ચલણમાંથી પરત ખેંચવાનો નિર્ણય લીધો છે.

2000 રૂપિયાની નોટ ચલણમાં બંધ થઈ શકે છે પરંતુ 2000 રૂપિયાની નોટ કાયદેસર રીતે માન્ય રહેશે. RBIએ કહ્યું છે કે 30 સપ્ટેમ્બર 2023 સુધી બેંકોમાં 2000 રૂપિયાની નોટ જમા અથવા બદલાવી શકાશે. આ સાથે બેંકોની શાખાઓમાં અને RBIની 19 પ્રાદેશિક કચેરીઓમાં 2000 રૂપિયાની નોટ બદલી શકાય છે.

RBI MPC મીટિંગ દરમિયાન રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે મહત્વપૂર્ણ માહિતી આપતા જણાવ્યું હતુ કે, અત્યાર સુધીમાં 1.80 લાખ કરોડ રૂપિયાની 2000ની નોટો સિસ્ટમ બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી છે.

તે ઉપરાંત તેમણે કહ્યું કે 31 માર્ચ 2023 સુધી ચલણમાં હતી તે 2000 રૂપિયાની 50 ટકા નોટો બેંકોમાં પરત આવી ગઈ છે. RBI ગવર્નરે જણાવ્યું કે આ સમયગાળા સુધી બેંકિંગ સિસ્ટમમાં 3.62 લાખ કરોડ રૂપિયાની નોટો ચલણમાં હતી.

આ પણ વાંચો- કોણે આપી NCP સુપ્રિમો શરદ પવારને જાનથી મારી નાંખવાની ધમકી?

Back to top button