કેન્દ્રએ મણિપુર માટે 101.75 કરોડના રાહત પેકેજની કરી જાહેરાત, સ્થિતિ નિયંત્રણમાં હોવાથી કર્ફ્યુમાં છૂટછાટ
મણિપુરમાં હિંસા બાદ હવે શાંતિપૂર્ણ સ્થિતિ છે અને કર્ફ્યુમાં છૂટછાટ બાદ લોકો તેમના રોજિંદા કામ કરવા ઘરની બહાર નીકળી રહ્યા છે. આ સાથે રાજ્ય સરકારના સુરક્ષા સલાહકાર કુલદીપ સિંહે ગુરુવારે માહિતી આપી હતી કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની સૂચના પર કેન્દ્ર સરકારે હિંસાગ્રસ્ત મણિપુરમાં વિસ્થાપિત લોકો માટે 101.75 કરોડ રૂપિયાના રાહત પેકેજને મંજૂરી આપી છે.
કેન્દ્રએ મણિપુર માટે રાહત પેકેજની કરી જાહેરાત
કુલદીપ સિંહે એમ પણ કહ્યું કે મણિપુરમાં સ્થિતિ શાંતિપૂર્ણ અને નિયંત્રણમાં છે અને છેલ્લા 48 કલાકમાં રાજ્યમાં હિંસાની કોઈ ઘટના બની નથી. તેમણે ધ્યાન દોર્યું કે મણિપુરની તેમની તાજેતરની મુલાકાત દરમિયાન, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રાજ્ય સરકારને વિસ્થાપિત લોકો માટે રાહત પેકેજ માટે ગૃહ મંત્રાલયને વિનંતી મોકલવાનો નિર્દેશ આપ્યો હતો. આ પછી સરકારે રાહત પેકેજને મંજૂરી આપી દીધી છે.
અત્યાર સુધીમાં આટલા હથિયારો મળી આવ્યા
સુરક્ષા સલાહકારે કહ્યું કે અત્યાર સુધીમાં કુલ 896 હથિયારો, 11,763 રાઉન્ડ દારૂગોળો અને વિવિધ પ્રકારના 200 બોમ્બ મળી આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં મણિપુરના ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના પોરોમપટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 27 હથિયારો, 245 દારૂગોળો અને 41 બોમ્બ મળી આવ્યા છે, જ્યારે રાજ્યના બિષ્ણુપુર જિલ્લામાંથી એક હથિયાર અને બે બોમ્બ મળી આવ્યા છે.
કર્ફ્યુમાં આટલી છૂટછાટ કરી જાહેર
પાંચ ખીણ જિલ્લાઓમાં 12 કલાક અને પડોશી પહાડી જિલ્લાઓમાં 10 કલાકથી 8 કલાક સુધી કર્ફ્યુમાં છૂટછાટ જાહેર કરવામાં આવી છે. અન્ય છ પહાડી જિલ્લાઓમાં કર્ફ્યુ નથી. રાજ્ય સરકારના સુરક્ષા સલાહકાર કુલદીપ સિંહે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-37 પર આવશ્યક ચીજવસ્તુઓની અવરજવર સુનિશ્ચિત કરવામાં આવી છે અને ગુરુવારે 294 ખાલી વાહનો ઇમ્ફાલથી જીરીબામ જવા રવાના થયા છે. નોનીથી કુલ 220 લોડેડ વાહનો અને 198 લોડેડ ટેન્કરો અને ટ્રક જીરીબામથી રવાના થયા છે.
સંવેદનશીલ વિસ્તારોમાં કડક સુરક્ષા વ્યવસ્થા
વરિષ્ઠ અધિકારીઓએ સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લીધી છે. તમામ સંવેદનશીલ વિસ્તારોમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત, રાજ્ય અને કેન્દ્રીય દળોની સંયુક્ત ટીમોએ રાજ્યના કેટલાક ભાગોમાં સર્ચ ઓપરેશનને વધુ તીવ્ર બનાવ્યું છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. રાજ્યના મંત્રીઓ અને ધારાસભ્યો મણિપુરના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે અને લોકો અને નાગરિક સમાજ સંગઠનોને મળીને શાંતિ અને સામાન્ય સ્થિતિની અપીલ કરી રહ્યા છે.
આ પણ વાંચો : અમદાવાદનો શાસ્ત્રી બ્રિજ ભારે વાહન માટે બંધ, જાણો હવે કયા વાહનો થશે પસાર?