આખરે ધારાસભ્યની માગ ફળી; ખેત તલાવડીથી ખેતી કરતા ખેડૂતોને મળશે હવે વીજ કનેક્શન
- ધારાસભ્યની માગ રાજ્ય સરકારે સ્વીકારી.
- ખેત તલાવડીથી ખેતી કરતા ખેડૂતોને થશે હવે ફાયદો.
- નહીં કરવી પડે હવે ડીઝલ પંપથી ખેતી.
- પાંચ હોર્સ પાવરનું મળશે હવે વીજ ક્નેકશન.
રાજ્ય સરકાર દ્વારા ખેત તલાવડી વડે પિયત કરતા ખેડૂતોને પાંચ હોર્સ પાવરનું વીજ કનેકશન મળે તે માટે ડીસાના ધારાસભ્ય અને ધાનેરાના ધારાસભ્યએ રજૂઆત કરી હતી. આથી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને વીજ જોડાણ આપવાનો નિર્ણય કરતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
પીયત માટે હવે મોટરનો ઉપયોગ કરી શકાશે:
ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી અને ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ દ્વારા રજૂઆત કરાઈ હતી કે ખેડૂતોને ડીઝલ પંપ દ્વારા ખેત તલાવડીમાંથી પાણી ખેંચવું પડતું હતું. જેના લીધે ખેતી ખર્ચાળ બનતી હતી જે ખેડૂતોને પોસાય તેમ નતુ. એ વાતને ધ્યાનમાં રાખીને આ રજૂઆત રાજ્ય સરાકારને કરતાં સરકારે જે ખેડૂતો ખેત તલાવડી દ્વારા કે અન્ય સોર્સ જેવા કે પાણીના ટાંકા, હોજ વગેરે દ્વારા પિયત કરતા હતા તેવા ખેડૂતોને નાની મોટર મૂકી અને પિયત કરી શકે તે માટે સરકાર દ્વારા પાંચ હોર્સ પાવર વીજળી આપવાનો મહત્વનો નિર્ણય કરાયો છે.
આ પણ વાંચો :શું તમે જાણો છો આ બીજ ગ્રામ યોજના વિશે? જો ના તો જાણીલો ઉચ્ચ ગુણવત્તાના બિયારણો પર મળે છે સબસિડી
ખેડૂતોમાં ખુશીની લહેર:
એક ખેડૂતને અંદાજિત 40 થી 50 હજાર રૂપિયા જેટલો ખર્ચ થતો હતો. પરંતુ હવે સરકારની આ જાહેરાત બાદ પાંચ હોર્સ પાવરનું વીજ જોડાણ આપતા આ ખર્ચ ઘટીને પાંચ હજાર રૂપિયા જેટલો થઈ જશે. જેથી ખેત તલાવડી બનાવનાર ખેડૂતોને દર વર્ષે 40 થી 45 હજાર રૂપિયાનો ફાયદો થતા ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી હતી. મુકેશ ચૌધરી એ જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી 700 થી વધુ ખેત તલાવડીઓ બનાવી છે.
હવે નહીં ખર્ચવા પડે 40 કે 50 હજાર:
આ તમામ ખેડૂતો અત્યાર સુધી પાણી નીકાળવા માટે પંપ, મોટર, ટ્રેક્ટર સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ કરતા હતા. જેમાં વર્ષે 50 હજાર રૂપિયા જેટલો ખર્ચ આવતો હતો પરંતુ હવે સરકારે પાંચ હોર્સ પાવર સુધીનું વીજ જોડાણ આપવાની જાહેરાત કરતા આ તમામ ખેડૂતોને ફાયદો થશે.
આ પણ વાંચો: બનાસકાંઠા: પાલનપુરમાં કારના કાચ તોડી ₹4 લાખ ભરેલી બેગ લઈ અજાણ્યા શખ્સો ફરાર