અમદાવાદનો શાસ્ત્રી બ્રિજ ભારે વાહન માટે બંધ, જાણો હવે કયા વાહનો થશે પસાર?
અમદાવાદમા હાડકેશ્વર બ્રિજ બાદ હવે નારોલ-વિશાલાને જોડતો”શાસ્ત્રી બ્રિજ”ન પણ ભયજનક હાલતમા છે. ત્યારે મીડિયામાં અહેવાલો બાદ તંત્ર જાગ્યું છે. અને ભારે વાહન માટે પ્રતિબંધ મૂક્યો છે. બ્રિજ પરથી ભારે વાહનોના અવરજવર પર પ્રશાસને પ્રતિબંધ મુક્યો છે જેથી અહીથી ફક્ત ટુ-વ્હીલર્સ અને ફોર-વ્હીલર્સ વાહન બ્રિજ પરથી પસાર થઇ શકશે.
શાસ્ત્રી બ્રિજને લઈને તંત્રનો મોટો નિર્ણય
મળતી માહીતી મુજબ છેલ્લા ઘણા સમયથી અમદાવાદના વિશાલા નારોલ નેશનલ હાઇવેનો શાસ્ત્રી બ્રિજ જર્જરિત હોવાના અહેવાલો મીડિયામાં સામે આવી રહ્યા હતા. ત્યારે આ અહેવાલો બાદ તંત્ર સફાળું જાગ્યું છે. અને આ બ્રિજને લઇને સૌથી મહત્વનો નિર્ણય લીધો છે. અમદાવાદ પોલીસ કમિશ્નરે જાહેરનામુ બહાર પાડ્યું છે. અને આ બ્રિજ જર્જરિત હોવાને કારણે આજથી બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે.
આ વાહનો અહીથી પસાર થઈ શકશે નહીં
જાહેરનામામાં જણાવ્યા મુજબ આ બ્રિજ પરથી માત્ર પેસેન્જર રિક્ષા, ટુ-વ્હીલર્સ અને ફોર-વ્હીલર્સ વાહન પસાર થઇ શકશે. અને લોડિંગ રીક્ષા, ટ્રક, બસ બ્રિજ ઉપરથી પસાર થઇ શકશે નહીં. ત્યારે કોઈપણ સૂચના વગર આજથી આ બ્રિજ પરથી ભારે વાહનો માટે બંધ મૂકી દેવામાં આવતા અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
વર્ષ 1970 માં બનેલા બ્રિજ ઉપર હાલ સુધી કોઈ સમારકામ નહીં
પ્રાપ્ત જાણકારી મુજબ વર્ષ 1970 માં બનેલા બ્રિજ ઉપર હાલ સુધી કોઈ સમારકામ કરવામાં આવ્યું નથી.તેમજ છેલ્લા દોઢ વર્ષમાં બે વખત ટેન્ડરિંગ પ્રક્રિયા કરવામાં આવી નથી. ત્યારે આ મામલે રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ વર્ષ 2015માં બ્રિજના સમારકામ માટે કેન્દ્ર સરકાર સમક્ષ દરખાસ્ત મોકલી હતી. ત્યારે આગામી 13 જૂનના રોજ બ્રિજના ટેન્ડર માટે ફરીથી પ્રક્રિયા શરૂ કરવામાં આવનાર છે. ત્યાં સુધી અહીથી મોટા વાહનોને બંધ કરવામાં આવ્યા છે. તેમજ સમારકામ માટે આગામી દિવસોમાં બ્રિજ સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે.
આ પણ વાંચો : Biparjoy ચક્રવાતના પગલે રાજ્યમા 4 દિવસ વરસાદની આગાહી