મીઠાપુરના આરંભડાની સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દેવાઈ
- ગામના જ આસીફ બેતારા સામે ફરિયાદ નોંધાવાઈ
- આરોપીના પરિજનોએ પણ સગીરાને ગર્ભ પડાવી દેવા ધમકી આપી
- ગર્ભપાત કરાવવા માટે જુદી જુદી હોસ્પિટલમાં લઈ જવામાં આવી
- પરિવારજનો સામે પણ ફરિયાદ નોંધાવતા ગુનો દાખલ
ઓખા મંડળના આરંભડા વિસ્તારમાં રહેતા એક પરિવારની સગીર પુત્રી પર આ જ ગામના શખ્સ દ્વારા અવારનવાર દુષ્કર્મ ગુજારી, તેણીને ગર્ભ રાખી દઈ, મારી નાખવાની ધમકી આપવા સબબ આરોપી શખ્સ તથા તેના પરિવારજનો સામે જુદી-જુદી કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
દૂષ્કર્મ ગુજારી ભાઈને મારી નાખવાની ધમકી આપી
આ પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ મીઠાપુર તાબેના આરંભડા વિસ્તારમાં રહેતા એક પરિવારની સગીર વયની પુત્રીને આ જ વિસ્તારમાં રહેતા આસિફ સતાર બેતારા નામના શખ્સ દ્વારા પોતાના ઘરે અવારનવાર બળજબરીથી તેણીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચારવામાં આવ્યું હતું. આ કુકર્મથી સગીરાને સાત માસનો ગર્ભ રહી ચૂક્યો હતો. જે અંગે જો તેણી કોઈને જાણ કરશે તો તેને તથા તેના ભાઈને મારી નાખવાની ધમકી પણ આરોપી દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.
પરિવારના સભ્યોએ પણ વારંવાર ધમકાવી
આટલું જ નહીં, આરોપી પરિવારના સત્તાર વલીમામદ બેતારા, નૂરજહાંબેન સતાર બેતારા અને ફાતિમાબેન નામના અન્ય પરિવારજનોએ પણ ગુનો છુપાવવા અને ગર્ભ પડાવવા માટે અવાર-નવાર ભોગ બનનારને અલગ-અલગ હોસ્પિટલે લઈ જઈ, અને આ અંગે જો કોઈને જાણ કરશે તો તેને તથા તેણીના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું વધુમાં જાહેર થયું છે.
સગીરાને સારવાર માટે જામનગર ખસેડવામાં આવી
ભોગ બનનાર સગીરાને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. આ સમગ્ર બનાવ અંગે સગીરાના મોટા બહેનની ફરિયાદ પરથી મીઠાપુર પોલીસે આરોપી આશીફ સતાર બેતારા સહિત તમામ ચાર શખ્સો સામે આઈ.પી.સી. કલમ 376, 506 (2), 114 તથા જી.પી. એક્ટની જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ ઇન્ચાર્જ પી.આઈ. એમ.ડી. મકવાણા દ્વારા હાથ ધરવામાં આવી છે.