ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : અંબાજીના ગ્રામજનોને ગેટ નંબર 7થી સ્થાનિકનું ઓળખપત્ર અને રજીસ્ટરમાં એન્ટ્રી કર્યા બાદ પ્રવેશ

  • સુરક્ષા અને સલામતીને લઇ દર્શન માટે શકિતદ્વાર, ગેટ નંબર ૮ અને ૯ થી અપાય છે પ્રવેશ

પાલનપુર  : શક્તિપીઠ અંબાજીમાં દરવર્ષે 1.25 કરોડથી વધારે યાત્રાળુઓ માતાજીના દર્શન કરવા પધારે છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રિકોની સુરક્ષા, સલામતી અને દર્શનની વ્યવસ્થા જળવાઈ રહે તે તમામ સુવિધાઓ ધ્યાને રાખી દર્શન વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવે છે.

અંબાજી મંદિરનો દર્શનનો સમય

સવારે આરતી- 7 : 00 થી 7 : 30
સવારે દર્શન- 7 : 30 થી 10:45
રાજભોગ આરતી- 12:30 થી 01:00
દર્શન બપોરે- 1:00 થી 04:30
આરતી સાંજે- 7:00 થી 7:30
દર્શન સાંજે- 7:30 થી 9:00 સુધી છે.

કોરોના ના સમય પ્રવેશ આપતો હતો

યાત્રિકોને દર્શનપથ પરના યાત્રિક પ્લાઝાના મુખ્ય પ્રવેશ દ્વારથી સુરક્ષાની ચકાસણી કરી શકિતદ્વાર થી, તેમજ ગેટ નંબર 8 અને 9 થી પ્રવેશ આપવામા આવે છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજીના વ્યવસ્થાપક સમિતિની બેઠક તા.29ડિસેમ્બર 2015ના ઠરાવ નં.34 તથા 36 મુજબ ગેટ નં.07 થી ફકત માત્ર મંદિર માટે આવતી સાધન સામ્રગીઓ, પ્રસાદ વિગેરે માટે આવતા વાહનો, ફરજ પરના કર્મચારીઓ/અધિકારીઓ, દેવસ્થાન ટ્રસ્ટના તમામ વાહનો, ગ્રામજનોને પ્રવેશ આપવાનું નક્કી કરવા ઠરાવવામાં આવેલ હતુ. ગેટ નંબર 9 થી દેવસ્થાન ટ્રસ્ટ અને ભટ્ટજીની ગાદીનો તમામ સ્ટાફ, ગામના સેવકગણ, પાવડીપુજા માટે આવતા બ્રાહ્મણઓ, વહીવટદાર કચેરીમાં કામ અર્થે આવતાં કોન્ટ્રાકટર, મજુરો, અંબાજી ગામના ગ્રામજનો, હવન કરાવવા આવતાં યજમાનો તથા યજ્ઞ કરાવવા આવતા બ્રાહ્મણઓ, ફરજ પરના પોલીસ કર્મચારીઓ તથા સિકયુરીટી સ્ટાફને પ્રવેશ આપવા ચર્ચા વિચારણા કરી નક્કી કરવામાં આવ્યું હતુ. પરંતુ કોરોના વૈશ્વિક મહામારીના કારોણસર મંદિરના ગેટ નંબર 8 અને 9 ખાતે યાત્રિકોનો પ્રવેશ બંધ કરવામાં આવેલ હતો. જે મહામારીના સમયે ગેટ નંબર ૭ થી વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે પ્રવેશ આપવામાં આવતો હતો. જે ગત તારીખ 04 જૂન 23 સુધી માન્ય હતો.

વીઆઈપી દર્શનની ગોઠવણીને લઇ નિર્ણય

વિશેષ દિવસો જેમ કે આઠમ, પુનમ, અન્ય તહેવારો, મહોત્સવ, શનિવાર-રવિવારના દિવસે યાત્રિકોનો પ્રવાહ ખુબ જ મોટા પ્રમાણમાં થતો હોઈ સલામતી, સુરક્ષા અને દર્શન વ્યવસ્થા માટે સમયાંતરે યોગ્ય સુવિધા કરવી અત્યંત આવશ્યક જણાઈ આવે છે. આ સંજોગોમાં તમામ ગેટથી યાત્રિકોનો એક સાથે પ્રવેશ મંદિરની દર્શન વ્યવસ્થા, યાત્રિકોની સલામતી માટે અવરોધરૂપ જણાય છે. વધુમાં અનુભવે, વિસ્તૃત સ્ત્રોત તેમજ યાત્રાળુઓની ફરિયાદ દ્વારા ધ્યાનમાં આવ્યું છે કે, અંબાજી પ્રવેશ પરના માર્ગ પરથી યાત્રાળુઓને ગેરમાર્ગે દોરી તેમજ અજાણ યાત્રિકો પાસેથી નાણાંકીય લેવડ- દેવડ કરી વીઆઈપી દર્શનની ગોઠવણી કરી આપવા માટે અમુક વ્યક્તિઓ સક્રિય રીતે કાર્ય કરી રહ્યા હતા. આના કારણે મંદિર પરિસરમાં યાત્રિકો વચ્ચેના ઘર્ષણ વધી ગયા હતા અને મંદિરની શાંતિનો ભંગ થતો હતો તેમજ યાત્રાળુઓની ધાર્મિક આસ્થાઓને ઠેસ પહોંચતી હોવાના લીધે ગેટ નંબર 7 અને 9 માં પ્રવેશ માટે શ્રી આરાસુરી અંબાજીમાતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજીના વ્યવસ્થાપક સમિતિની બેઠક તા.૨૯ડીસેમ્બર 2015ના ઠરાવ નં. 34 તથા 36 મુજબનો નિર્ણય ફરીવાર અમલમાં મુકવાનો નિર્ણય કરવામાં આવેલ છે.

સ્થાનિકે ઓળખપત્ર સાથે રજીસ્ટરમાં એન્ટ્રી કરવી પડશે

સ્થાનિક ગ્રામજનોની રજૂઆત અને માંગણીને ધ્યાને લેતાં તેઓને ગેટ નંબર 7 પરથી પ્રવેશ માટે સ્થાનિક રહેવાસીનું ઓખપત્ર અને રજીસ્ટરમાં એન્ટ્રી કર્યા બાદ પ્રવેશ કરી શકશે પરંતુ આ છુટ ફક્ત અને ફક્ત અંબાજીના ગ્રામજનો માટે જ લાગુ પડશે. વધુમાં અંબાજી મંદિરમાં યાત્રાળુઓ, ગ્રામજનો, વી.આઈ.પી. વગેરેના પ્રવેશ માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજીની આગામી વ્યવસ્થાપક સમિતિની બેઠકમાં તમામ પાસાઓ ચકાસી, ચર્ચા વિચારણા કરી તમામ ગેટના પ્રવેશના નિયમો બનાવવામાં આવશે તેમ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદારએ જણાવ્યું છે.

આ પણ વાંચો : બનાસકાંઠા : ભાખર પાસે રસ્તા વચ્ચે નીલગાય આવી જતા બાઈક ચાલકનો અકસ્માત

Back to top button