ગુજરાત

જામનગરમાં ભાઈ ઉપર હુમલો થતાં બચાવવા ગયેલા ભાઈને મળ્યું મોત !!

Text To Speech

જામનગર શહેરમાં બાઈકસવાર સાથે ઈકો કાર વાળવા બાબતે થયેલ બોલાચાલી બાદ પાંચ શખ્સો દ્વારા કારચાલક ઉપર હુમલો કરાયો હતો તેમાં બચાવવા પડેલા કારના ચાલકના ભાઈ ઉપર છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવવામાં આવી હતી. આ કેસમાં જામનગર સિટી બી પોલીસ સર્વેલન્સ સ્કવોર્ડ તથા એલસીબી દ્વારા બે શખ્સોને મોખાણા ગામની સીમમાંથી તથા એક શખ્સને મોટી ખાવડી વિસ્તારમાંથી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બે બાઈકસવાર દ્વારા કાર વાળવા બાબતે બોલાચાલી કરી આપવામાં આવી હતી ધમકી

મળતી માહિતી મુજબ જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં તા.18 જૂનના રોજ યોગેશ જગદીશપ્રસાદ કૌશિકને બે બાઈકસવાર દ્વારા કાર વાળવા બાબતે બોલાચાલી કરી ધમકી આપ્યા બાદ થોડા સમય પછી પાંચ શખ્સો હથિયાર સાથે ધસી આવ્યાં હતાં અને યોગેશભાઇ ઉપર હુમલો કર્યો હતો. જેમાં તેનો ભાઈ રાજેશ બચાવવા વચ્ચે પડયો હતો. જેના ઉપર હુમલાખોર પાંચ શખ્સોએ છરીનો જીવલેણ ઘા ઝીંકતા તેનું મૃત્યુ નિપજ્યું હતું. આ કેસમાં આરોપીની શોધખોળ દરમિયાન હેકો રાજેશભાઈ વેગડ તથા રવિરાજસિંહ જાડેજા, પો.કો. હરદીપભાઇ બારડ તથા યુવરાજસિંહ જાડેજાને હત્યાના આરોપી મોખાણા ગામની સીમમાં છુપાયા હોવાની બાતમી મળી હતી. જેથી સ્ટાફ દ્વારા બાતમીના સ્થળે રેઈડ દરમિયાન આરોપી કુલદીપસિંહ કિરીટસિંહ તથા અર્જુનસિંહ પ્રદિપસિંહ જાડેજા નામના બે શખ્સોને હત્યા કરી નાસવામાં ઉપયોગમાં લીધેલ મોટરસાઈકલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

એક શખ્સને એલસીબીએ ઝડપી લીધો

દરમિયાન આ સાથે કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીને ઝડપી લેવા એલસીબી શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન એએસઆઈ સંજયસિંહ વાળા, હેકો દોલતસિંહ જાડેજા, પો.કો. અજયસિંહ જાડેજાને આ કેસમાં સંડોવાયેલ અન્ય એક આરોપી મોટી ખાવડી વિસ્તારમાં છૂપાયો હોવાની બાતમી મળતા આ સ્થળે રેઈડ દરમિયાન આરોપી યશપાલસિંહ ઉર્ફે બોસ કનકસિંહ જાડેજા નામના શખ્સને ઝડપી લીધો હતો. જામનગર સિટી બી તથા એલસીબી દ્વારા નવાગામ ઘેડમાં થયેલી હત્યાના કેસમાં ત્રણ શખ્સોને ગણતરીના દિવસોમાં ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Back to top button