આ વખતે પણ ઉનામાંથી ઝડપાયો નવી મોડસ ઓપરેન્ડીથી દારૂ !!!
રાજ્યમાં બુટલેગર પાડોશી રાજ્ય અને સંઘ પ્રદેશમાંથી ગેરકાયદેસર રીતે દારૂ ઘુસાડવા અનેક નવા કિમીયા અજમાવતા જોવા મળે છે. જેમાં અનેક વખત પોલીસે આવા કિમીયા અજમાવનારને ઝડપી લઈ પર્દાફાશ પણ કર્યો છે. આવો ફરી એક વખત દીવથી ગીર સોમનાથ જિલ્લામાં દારૂ ઘુસાડવા માટે અપનાવેલ નવા કિમીયાનો ગીર સોમનાથ LCB ની ટીમએ રવિવારે પર્દાફાશ કરી બે શખ્સોને ઝડપી લીધા છે.
એવી એવી જગ્યાએ બનાવ્યું ચોરખાનું કે તમે વિચારી પણ ન શકો
મળતી માહિતી મુજબ, કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાંથી ઉનામાં દારૂ ઘુસાડતા બે આરોપીઓને જિલ્લા ક્રાઈમ બ્રાન્ચની ટીમે દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે. જેમાં બંન્ને આરોપીઓ કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાંથી ઉનામાં દારૂ ઘુસાડવા જે નવો કિમીયો શોધ્યો હતો તે જોઈને પોલીસ સ્ટાફ પણ ચોંકી ઉઠયો હતો. એલસીબીની ટીમ ઉના તાલુકામાં પેટ્રોલીંગ કરી રહેલ દરમ્યાન ખાપટ ગામે પહોંચતા બાતમી મળેલ કે બે શખ્સો બાઈકમાં ચોરખાના બનાવી દીવ તરફથી ઈંગ્લીશ દારૂ ભરી ઉના- ગીરગઢડા તરફ આવી રહ્યા છે.જેથી ખાપટ ગામના પાટીયા પાસે ટીમ વોચમાં રહેલ તે સમયે એક ડબલ સવાર મોટર સાયકલ પસાર થતા શંકાના આધારે રોકાવી તેને ચેક કરતા મનીષ કીશનભાઇ બાંભણીયા (ઉ.વ.19), જયેશ ધીરૂભાઇ કામળીયા (ઉ.વ.25) બન્ને રહે. કોડીનાર વાળાએ મોટર સાયકલમાં સીટ નીચે તથા પેટ્રોલની ટાંકીમાં તથા સાઇડના પડીયામાં બનાવેલ ચોરખાનામાં વિદેશી દારૂ છુપાવ્યો હોવાનું સામે આવ્યુ હતુ. આ ચોરખાનામાં છુપાવેલ દારૂનો જથ્થો બહાર કાઢી ગણતરી કરતા અલગ અલગ બાન્ડની કુલ 67 બોટલો કી.રૂ.3350 મળી આવતા જપ્ત કરવામાં આવી હતી. આમ દારૂના જથ્થા ઉપરાંત મોટર સાયકલ મળી કુલ કી.રૂ.18 હજારના મુદામાલ સાથે ઝડપેલ બંન્ને શખ્સો સામે ઉના પોલીસમાં ગુનો નોંધાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
અગાઉ કેરીની પેટીમાંથી બિયર, એમેઝોનના પાર્સલમાંથી મળી હતી બોટલ
ગીર સોમનાથના ઉનાથી નજીક પડતા સંઘ પ્રદેશ દીવમાંથી દારૂ ઘુસાડવા બુટલેગરો કાયમી પ્રયાસમાં હોવાથી અવનવા કિમીયા અપનાવે છે. અગાઉ પણ એમઝોનના પાર્સલ મારફત તથા થોડા દિવસો પહેલા કેરીના બોક્સમાં દારૂ ભરી ગુજરાતમાં દારૂ ઘુસાડવાના કિમીયાનો પોલીસે પર્દાફાશ કરી બુટલેગરોને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડેલા હતા.