CM ભૂપેન્દ્ર પટેલે 8 મહાનગરપાલિકાઓની પ્રિ-મોન્સુન કામગીરીની કરી સમીક્ષા
- CM ભૂપેન્દ્ર પટેલ પ્રિ-મોન્સુન કામગીરીને લઈને એક્શનમાં
- 8 મહાનગરપાલિકાઓના કમિશનરો સાથે કરી વાતચીત
- શું વાતચીત કરી CMએ? વાંચો આ અહેવાલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની ૮ મહાનગરપાલિકાઓના મ્યુનિસિપલ કમિશનરો સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને આગામી ચોમાસા પૂર્વે મહાનગરોમાં હાથ ધરાયેલા આગોતરા આયોજનની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર મહાનગરપાલિકાઓએ સિટી ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન-ર૦ર૩ અન્વયે જે પ્રિ-મોન્સુન એક્શન પ્લાન તૈયાર કર્યા છે તે અંગે આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા પરામર્શ કરીને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
CMએ માર્ગોની જાળવણી, પાણીની અને ડ્રેનેજ લાઇન્સ માટે કહ્યું આવું
મુખ્યમંત્રીએ સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા હતા કે બદલાયેલી વરસાદી પેટર્નને ધ્યાને રાખીને આ એક્શન પ્લાનમાં જરૂરી વ્યવસ્થાઓ મહાનગરોમાં ઊભી થવી જરૂરી છે. તેમણે માર્ગોની જાળવણી, પાણીની અને ડ્રેનેજ લાઇન્સમાં કોઇ વિક્ષેપ ન આવે તેની કામગીરી પર તાત્કાલિક ધ્યાન કેન્દ્રીત કરવા સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રી પટેલે ખાસ કરીને માર્ગો-રસ્તાઓની કામગીરી સંદર્ભમાં કોઇ ઢિલાશ ચલાવી લેવાશે નહિં તેવી તાકીદ કરતાં કહ્યું કે, આ વર્ષે બનેલા રસ્તાઓમાં જો કોઇ ક્ષતિ ઊભી થાય તો સંબંધિતો સામે પગલાં લેવામાં પણ ખચકાટ રાખવામાં નહિં આવે.
રાજ્યની 8 મહાનગરપાલિકાઓના મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને આગામી ચોમાસા પૂર્વે મહાનગરોમાં હાથ ધરાયેલા આગોતરા આયોજનની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી. મહાનગરપાલિકાઓએ સિટી ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન – 2023 અન્વયે તૈયાર કરેલ પ્રિ-મોન્સુન એક્શન પ્લાન અંગે વિસ્તૃત ચર્ચા… pic.twitter.com/Vt73B9qd1g
— Bhupendra Patel (@Bhupendrapbjp) June 7, 2023
વિડીયો કોન્ફરન્સ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરઓએ આપી જાણકારી
CM ભૂપેન્દ્ર પટેલે મહાનગરોમાં લોકોની ચોમાસા દરમ્યાન નાની ફરિયાદો કે રજૂઆતોનો ત્વરિત પ્રતિસાદ મળે અને દરેક જવાબદાર અધિકારીનો ફોનથી પણ સંપર્ક થઇ શકે તે બાબત પર ભાર મૂક્યો હતો. મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી કૈલાસનાથન, મુખ્ય સચિવ રાજકુમાર, અધિક મુખ્ય સચિવઓ તથા અગ્ર સચિવઓની ઉપસ્થિતીમાં યોજાયેલી આ વિડીયો કોન્ફરન્સ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરઓએ પોતાના મહાનગરોમાં કરેલા આયોજનોની વિસ્તૃત વિગતો આપી હતી.
માઇક્રો પ્લાનીંગથી મુખ્યમંત્રીને કરાયા માહિતગાર
તદ્દઅનુસાર, પ્રિ-મોન્સુન એક્શન પ્લાન સંદર્ભમાં મહાનગરોમાં મેન હોલ તથા વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા, જર્જરીત અને ભયજનક ઇમારતો-મિલ્કતને દૂર કરવાની કામગીરી, 24×7 સેન્ટ્રલ કંટ્રોલ રૂમ અને સી.સી.ટીવી નેટવર્ક સુદ્રઢીકરણ તથા ભારે વરસાદની સ્થિતી સર્જાય તો તેને પહોંચી વળવા જરૂરી અદ્યતન સાધન-સામગ્રીનું વ્યવસ્થાપન, આરોગ્ય સુવિધા, લોકોને ચેતવણી આપવા માટેની કોમ્યુનિકેશન સિસ્ટમ સહિતના માઇક્રો પ્લાનીંગથી મુખ્યમંત્રીને માહિતગાર કર્યા હતા. મહાનગરોમાં આ કાર્યવાહી સંદર્ભે મોકડ્રીલ પણ યોજવામાં આવી છે તેની વિગતો બેઠકમાં આપવામાં આવી હતી.
આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્રિદિવસિય પ્રવેશોત્સવમાં, ગામોની શાળાઓમાં ભૂલકાઓને પ્રવેશ કરાવશે