અમરેલીના નાની કુંડલ ગામે પવનચક્કીના કોન્ટ્રાક્ટ બાબતે આર્મીના નિવૃત્ત કર્નલની હત્યાનો પ્રયાસ
- નિવૃત્ત કર્નલ સહિત બે ઈજાગ્રસ્તને સારવાર માટે રાજકોટ ખસેડાયા
- અમરેલી જિલ્લા પોલીસવડા સહિતના અધિકારીઓ દોડી ગયા
અમરેલીના બાબરા તાલુકાના નાની કુંડલ ગામે પવનચક્કીના કોન્ટ્રાક્ટ રદ થયા બાદ આજે સોમવારે સર્વે માટે આવેલ આર્મીના નિવૃત કર્નલ અને કંપનીના અન્ય એક કર્મચારી ઉપર ટોળાએ હુમલો કરતા આ મામલે અમરેલી પોલીસે તાત્કાલિક પગલા લઇ 10 શખ્સો વિરુદ્ધ હત્યાની કોશિષનો ગુનો નોંધી તમામની ધરપકડ માટે તજવીજ શરુ કરી છે. ઈજાગ્રસ્ત નિવૃત કર્નલ સહિત બે ને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.
નિવૃત્તિ બાદ કંપનીમાં નોકરીએ લાગ્યા
ન્યુ દિલ્હીના ઈસ્ટન વીંગ થાપર હાઉસ 124 ખાતે રહેતા આર્મીના નિવૃત કર્નલ કવરજીતસિંઘ ઠાકરસિંઘ ચડ્ડા (ઉ.વ.49) ઈન્ડીયન આર્મીમા કર્નલ તરીકે વીસ વર્ષ નોકરી હાલ ઇડીએફ રીંન્યુબલ એનજી ઈંન્ડીયા પ્રા.લી. કંપનીમા હેડ ઓફ ઈંન્ડીયા એસેટ ઓપરેશન તરીકે નોકરી કરે છે. કંપનીમા પવનચક્કીમા ઉત્પાદિત થતા પાવર જનરેટનુ કામ કરે છે અને ગુજરાત રાજયમાં અમરેલી, બોટાદ, રાજકોટ, કચ્છ વિગેરે અલગ અલગ જીલ્લામા કામ કરે છે. આ કંપનીમા હેડ તરીકે આર્મીના નિવૃત કર્નલ કવરજીતસિંઘ ઠાકરસિંઘ ચડ્ડા કંપનીનુ સુપરવીઝનની જવાબદારી સંભાળે છે.
કંપનીની સાઈટ ઉપર 1 કરોડનું નુકશાન પહોચાડ્યું
ઇ.ડી.એફ રીન્યુબલ એનર્જી ઇન્ડીયા પ્રાઇવેટ લીમીટેડ કંપનીએ સને-2021 ની સાલમાં અમરેલીના બાબરાના કુંડલ ગામે શીવકુભાઇ બહાદુરભાઇ ગોવાળીયાની પેઢી બાવન વીર એન્ટરપ્રાઇઝને રાયપર તા.ગઢડા વિસ્તારમાં પવનચકકીની સીક્યુરીટી તથા વાહનો તથા લાઇન મેનનો કોન્ટ્રાક્ટ આપેલ હોય અને શીવકુભાઇ બહાદુરભાઇ ગોવાળીયાએ નક્કી થયેલ મુજબ બરાબર સર્વિસ આપતા ન હોય અને કંપનીના માણસોને ખોટી રીતે હેરાન પરેશાન કરતા હોય તેમજ કંપનીના માણસો સાથે દાદાગીરી કરી, પોતાના મળતીયા માણસો સાથે મળી પવનચકી બંધ કરાવતા હોય તેમજ પાવરની વીજ લાઇન ટ્રેપ કરી કંપનીને મોટું નુકશાન કરેલ હોય ડીસેમ્બર-2022 માં રાયપર ગામે કવરજીતસિંઘ ઠાકરસિંઘ ચડ્ડા અને તેમની ટીમ વીઝીટ પર ગયેલ ત્યારે કંપનીના માણસોને મારમારી વાહનમાં તોડફોડ કરી, નુકશાન કરેલ હોય જેથી તેઓની વિરૂૂધ્ધમાં ગઢડા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરાવેલ હોય શીવકુભાઇ બહાદુરભાઇ ગોવાળીયાએ અવાર નવાર કંપનીની પવનચકી બંધ કરાવી તેમજ વીજ લાઇન ટ્રેપ કરી એક કરોડ જેટલું નુકશાન પહોંચાડેલ હતું.
પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથધરી
જેથી કંપની તરફથી વળતર ભરપાઇ કરવા નોટીસો આપેલ હોય, અને કોન્ટ્રાક્ટ મુકી દીધેલ હોય જેનો ખાર રાખી ગઈકાલે શીવકુભાઇ બહાદુરભાઇ ગોવાળીયા, રજકુભાઇ બહાદુરભાઇ ગોવાળીયા, હરેશભાઇ દડુભાઇ ગીડા, મંગળુભાઇ બહાદુરભાઇ ગોવાળીયા, વનરાજ વાળા, અજીત ગીડા, પ્રતાપ ગીડા અને રવી ગીડા સહિત બે અજાણ્યા શખ્સો મળી 10 શખ્સોના ટોળાએ નાની કુંડળ ગામે આવેલ કંપનીના સબ સ્ટેશન ઉપર વીઝીટ માટે આવેલ હોય જેની જાણ થતા લોખંડના પાઇપ, ફરસી, ધારીયુ, લાકડી જેવા પ્રાણઘાતક હથીયાર લઇ નીકળવાના રસ્તે અગાઉથી વોચ રાખી કંપનીની ઇનોવા ફોરવ્હીલ ગાડી લઇને ગાડી રોકાવી કર્નલ કવરજીતસિંઘ ઠાકરસિંઘ ચડ્ડા અને તેમની સાથેના કંપનીના અન્ય સ્ટાફ ઉપર હુમલો કર્યો હતો.
આ બનવાની જાણ થતા અમરેલી જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ સહિતના પોલીસ અધિકરીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. આ મામલે હત્યાની કોશિષ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. ઈજાગ્રસ્ત કવરજીતસિંઘ ઠાકરસિંઘ ચડ્ડા અને તેમના સાથી કર્મચારીને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.