દ્વારકા નજીક કારનું ટાયર ફાટતા અકસ્માત : પિતા-પુત્રના કરુણ મૃત્યુ
- અમદાવાદનો પરિવાર દ્વારકાધીશના દર્શને આવ્યો હતો
- કુરંગા ગામ નજીક ભીમપરા પાટિયા પાસેનો બનાવ
- અગાઉ બે યુવકોના પણ થયા હતા મોત
દ્વારકા દર્શનાર્થે આવેલો અમદાવાદનો એક પરિવાર આજે સોમવારે વહેલી સવારે પોતાની મોટરમાં સોમનાથ જવા માટે રવાના થયા પછી ભીમપરા ગામના પાટિયા પાસે મોટરનું ટાયર ફાટતા પિતા-પુત્રના ગંભીર ઈજા થવાથી મૃત્યુ થયા છે. જ્યારે પાંચને ઈજા થઈ છે. અમદાવાદમાં રહેતા બારોટ અનિલભાઈ (ઉ.વ.34) તથા તેમના પરિવારના વ્યક્તિઓ ગઈકાલે મોટરમાં દર્શનાર્થે દ્વારકા આવ્યા પછી આજે સવારે આ પરિવાર દ્વારકાથી સોમનાથ જવા માટે રવાના થયો હતો. તેઓની મોટર જ્યારે દ્વારકાથી પંદર કિ.મી. દૂર ભીમપરા ગામ પાસે પહોંચી ત્યારે કોઈ રીતે મોટરનું ટાયર ફાટતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મોટર પલ્ટી મારી જતાં અનિલભાઈ તેમજ તેમના તેર વર્ષના પુત્ર પ્રિન્સનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. જ્યારે મોટરમાં સાથે રહેલા અનિલભાઈના સાળી સહિતના પાંચ વ્યક્તિને ઈજા થઈ છે.ઈજાગ્રસ્તોને સારવાર માટે દ્વારકા દવાખાને ખસેડવામાં આવ્યા પછી એક ઈજાગ્રસ્તને વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસ કાફલો બનાવના સ્થળે ધસી ગયો છે.
બે દિવસ પૂર્વે પણ બની હતી અકસ્માતની ઘટના
બીજી બાજુ દ્વારકા નજીકના કુરંગા પાસે શનિવારે વહેલી સવારે એક મોટરસાયકલ અકસ્માતમાં કલ્યાણપુર તાલુકાના લાંબા ગામના બે મિત્રોના કરુણ મૃત્યુ નીપજ્યા હતા. આ કરુણ બનાવની વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતા હિતેશભાઈ વીરાભાઈ ભાટિયા (ઉ.વ. 23) તેમના મિત્ર સાગરભાઈ રામદેભાઈ ચેતરીયા (ઉ.વ. 21) નામના સાથે હિતેશભાઈના સી.બી. સાઈન મોટરસાયકલ નંબર જી.જે. 37 ડી. 8312 મારફતે શનિવારે સવારે પાંચેક વાગ્યાના સમય પોતાના ઘરેથી દ્વારકા દર્શનાર્થે નીકળ્યા હતા. શનિવારે સવારે આશરે છ વાગ્યાની સમય તેઓ દ્વારકાથી આશરે 32 કિલોમીટર દૂર કુરંગા ગામ નજીક પહોંચ્યા ત્યારે, કુરંગા પાટિયા નજીકથી કોઈ અજાણ્યા વાહન ચાલકે હિતેશભાઈના મોટરસાયકલને અડફેટે લીધું હતું. આ અકસ્માતમાં બંને મિત્રો હિતેશ તથા સાગર મોટરસાયકલ સાથે ફંગોળાઈ ગયા હતા અને ગંભીર ઈજાઓ સાથે તેઓએ ઘટના સ્થળે જ અંતિમ શ્વાસ લીધા હતા.
અજાણ્યા કાર ચાલક સામે નોંધાયો ગુનો
આ બનાવ બનતા નજીકના ટોલનાકાનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ટોલનાકાની એમ્બ્યુલન્સ મારફતે તેઓને દ્વારકાની સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેઓને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આશાસ્પદ યુવાનોના અકાળે કરુણ મૃત્યુના આ બનાવે નાના એવા લાંબા ગામ સાથે આહીર સમાજમાં ભારે શોક સાથે અરેરાટી પ્રસરી જવા પામી હતી. આ પ્રકરણમાં મૃતક હિતેશભાઈના કાકા દેવાભાઈ જેઠાભાઈ ભાટીયા (ઉ.વ. 57, રહે. લાંબા) ની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે આઈ.પી.સી. કલમ 279, 304 (અ) તથા એમ.વી. એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.