- સોમવારે CM હસ્તે પહેલું વન કવચ ખુલ્લું મુકાશે
- કુલ 100 હેક્ટરમાં 10 લાખ રોપાં લાગશે
- 86 ‘વનકવચ’ પાછળ જંગી 26 કરોડ ખર્ચાશે
ગુજરાત સરકાર આ વખતે વન મહોત્સવની સાથોસાથ પહેલીવાર શહેરોની નજીક જાપાનીઝ મિયાવાકી પદ્ધતિ પ્રમાણે એકથી દોઢ હેક્ટર વિસ્તાર ધરાવતા એક એવા કુલ 100 હેક્ટર જમીન ઉપર 86 વન ઊભા કરી રહી છે, જેને ‘વન કવચ’નું નામ અપાયું છે.
સોમવારે CM હસ્તે પહેલું વન કવચ ખુલ્લું મુકાશે
રાજ્યનો વનમહોત્સવ તો ચોમાસુ બેસે તે પછી વિધિવત્ શરૂ થશે, પણ એ પહેલાં સોમવારે વિનપર્યાવરણ દિને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અંબાજી ખાતે બે હેક્ટર વિસ્તારમાં તૈયાર થયેલું રાજ્યનું પહેલું વનકવચ ખુલ્લું મુકાશે અને એ સાથે બીજા 85 વન કવચના કામો શરૂ થશે.
કુલ 100 હેક્ટરમાં 10 લાખ રોપાં લાગશે
સામાન્ય રીતે વન મહોત્સવમાં એક હેક્ટર દીઠ આશરે રૂ.25 હજારનો ખર્ચ થાય છે, તેના કરતાં 10 ગણો વધુ યાને કુલ રૂ.26 કરોડનો જંગી ખર્ચ આ વન કવચ સર્જવા પાછળ થશે. અત્યાર સુધી થયેલા વન મહોત્સવ દરમિયાન એક હેક્ટરમાં વધારેમાં વધારે 1,500 વૃક્ષોના રોપાં લગાવાયાં છે, જેની તુલનાએ મિયાવાકી પદ્ધતિના પ્રત્યેક વન કવચમાં એક બાય એક મીટરમાં એક એવા 10 હજાર મળીને કુલ 100 હેક્ટરમાં 10 લાખ રોપાં લાગશે. આમાં ત્રણ સ્તરમાં વૃક્ષઉછેર થશે.
મિયાવાકી પદ્ધતિમાં હેક્ટરદીઠ પ્લાન્ટેશન પાછળ 15-16 લાખનો ખર્ચ
વનવિભાગના ટોચના સૂત્રો કહે છે કે, મિયાવાકી પદ્ધતિમાં હેક્ટરદીઠ પ્લાન્ટેશન પાછળ 15-16 લાખનો ખર્ચ થશે, જ્યારે વનકવચમાં પ્રવેશદ્વાર ચોતરફ ફેન્સિંગ, વનકુટિર, પગદંડી બનાવવા પાછળ રૂ.10 લાખનો બીજો ખર્ચ થશે. વડાપ્રધાન મોદીએ કરેલા સૂચનથી આ વખતે વનમહોત્સવમાં મિયાવાકી પદ્ધતિ અનુસરાઈ રહી છે, એમ ઉલ્લેખતાં સૂત્રો કહે છે કે, કેવડિયામાં વનવિભાગે આ પદ્ધતિથી સર્જેલું મિની ફોરેસ્ટ જોઈને વડાપ્રધાન ભારે પ્રભાવિત થયા હતા અને એમણે આ પદ્ધતિનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવાનું સૂચન કર્યું છે.