અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

એક નવી પહેલ, હવે ‘AAS’થી આવશે ટ્રાફિકનો ઉકેલ

Text To Speech

ગુજરાતના ગૃહ પદે હર્ષ સંઘવીના આવ્યા બાદ રાજ્ય દિવસે-દિવસે વિકાસની નવી ઉંચાઈને આંબી રહ્યું છે. ક્યારેય જનતાના હિતમાં તો ક્યારેક સરકારી કર્મચારીઓના હિતમાં હર્ષ સંઘવી એક બાદ એક નવી યોજનાઓ અમલમાં લાવી રહ્યા છે. એવી જ રીતે અમદાવાદના ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક પગલું ભર્યું છે અને ગૃહમંત્રીએ લીધેલું આ પગલું એટલે એરિયા એડોપ્શન સ્કીમ.

અમદાવાદમાં ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા માટે એરિયા એડોપ્શન સ્કીમ લાવવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શહેરના સૌથી વધુ ટ્રાફિક ગતિવિધિ ધરાવતા વિસ્તારોની ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે જે તે વિસ્તારના સ્થાનિક લોકો અને આગેવાનોનો સહયોગ મેળવવાનો છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું માનવું છે કે કોઈ પણ સમસ્યાના પાયામાં જઈને સ્થાનિક સ્તરેથી જ તેનો ઉકેલ શોધવામાં આવે તો આસાનીથી પ્રશ્ન હલ કરી શકાય છે. આ વિચારને ચરિતાર્થ કરવા માટે અમદાવાદ શહેર પોલીસે ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે એરિયા એડોપ્શન સ્કીમ અમલમાં મૂકી છે.

એરિયા એડોપ્શન સ્કીમ અંતર્ગત કોઈ ચોક્કસ વિસ્તારના રહીશો, પ્રબુદ્ધ નાગરિકો, સામાજિક આગેવાનો, સ્વૈચ્છિક સંસ્થાઓ, વેપારીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ દ્વારા સામૂહિક રીતે પોતાના વિસ્તારના ટ્રાફિક અંગે જવાબદારી લેવામાં આવશે અને જરૂરી નિરાકરણ માટે પોલીસ સાથે ચર્ચા-વિચારણા કરવામાં આવશે. આમ, ફક્ત ટ્રાફિક પોલીસ કે એન્ફોર્સમેન્ટ એજન્સી જ નહિ, લોકો પણ ટ્રાફિક અંગે પોતાની જવાબદારી સમજતાં થાય અને સ્વેચ્છાએ ટ્રાફિક સમસ્યાના ઉકેલમાં યોગદાન આપશે.

આ યોજનામાં અમદાવાદ શહેર પોલીસ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ઔડા, આર એન્ડ બી, એએમટીએસ, બીઆરટીએસ, એનએચએઆઈ, સોસાયટીના ચેરમેન-સેક્રેટરી, જીઆઈડીસીના ચેરમેન, ઉદ્યોગ ક્ષેત્રના વડાઓ, મોલ/દુકાનદારોના સંગઠનો, ધાર્મિક-સામાજિક સંસ્થાઓ, સંબંધિત વિભાગો તેમજ સ્થાનિક નાગરિકો દ્વારા સહિયારા પ્રયાસ કરીને દરેક વિસ્તારની ટ્રાફિક સમસ્યાઓના ઉકેલ લાવવાનો ઉદ્દેશ છે.

ઉપરોક્ત તમામ સ્ટેકહોલ્ડર્સ ભેગા મળીને પોત-પોતાના વિસ્તારની ટ્રાફિક સમસ્યાઓને ઓળખશે અને નિર્ધારિત કરશે. વિસ્તારમાં જરૂરિયાત મુજબના પાર્કિંગોથી લઈને માળખાકીય સુવિધાઓ અંગે આયોજન કરશે, જરૂરિયાત મુજબના સાઇન બોર્ડ, બમ્પ, ફૂટપાથ, ડિવાઇડર, કટ, ટર્નિંગ, સર્વિસ રોડ વગેરેનું આયોજન કરશે, માર્કેટની જરૂરિયાત મુજબ એકી-બેકી પાર્કિંગ માટેનું આયોજન કરશે, ટ્રાફિક સિગ્નલના ટાઇમિંગમાં ટ્રાફિક વોલ્યુમ મુજબ ફેરફારો કરવા સૂચનો આપશે, પીળા પટ્ટા, નો-પાર્કિંગ, નો-સ્ટોપિંગ વગેરે બાબતો પણ નક્કી કરશે.

જનભાગીદારીથી ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે છે. ટ્રાફિકની સમસ્યા સંપૂર્ણપણે ઉકેલવી હોય તો દરેક વાહન ચાલકે પણ ડ્રાઈવિંગથી લઈને પાર્કિંગ બાબતે વધુ જાગૃત અને જવાબદાર બનવું પડશે.

Back to top button