ઘૂઘરા ખાતા પહેલા ચેતજો ! રાજકોટની આ દુકાનમાં દરોડા
ઘૂઘરા સાંભળીને જ સ્વાદ રસિયાઓના મોઢામાં પાણી આવી જાય છે. એમાંય જ્યારે વાત રાજકોટના જાણીતા ઘૂઘરાની આવે ત્યારે તો એમ થાય કે ઘૂઘરા હાલ જ ખાવા પડશે. પરંતુ, ઘૂધરા શબ્દ સાંભળી જે સ્વાદ તમારા મોઢામાં આવી જાય છે એટલો જ ઝટકો તેની હકીકત જાણીને લાગશે.
- રાજકોટમાં જાણીતા ઘૂઘરાવાળાને ત્યાં દરોડા
- આરોગ્ય વિભાગની ટીમે કરી ચેકિંગ કામગીરી
- 140 કિલોથી વધુ અખાદ્ય જથ્થો મળી આવ્યો
રાજકોટના પ્રખ્યાત ઈશ્વરભાઈ ઘૂઘરાવાળાને ત્યાં ઘૂઘરા ખાવા અને લેવા માટે દરરોજ મોટી સંખ્યામાં લોકો આવે છે. ત્યારે, આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઘૂઘરાની આ પ્રખ્યાત દુકાનમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને ઘૂઘરા બનાવવા માટે ઉપયોગમાં લેવાતી સામગ્રીની ચકાસણી કરવામાં આવી હતી. આ દરમિયાન, વાસી બટેટાનો માવો, મરચાની ચટણી માટે ઉપયોગમાં લેવાતો કલર, બળી ગયેલું તેલ સહિતનો જથ્થો મળી આવ્યો હતો. આ બધા સાથે આરોગ્ય વિભાગની ટીમે 140 કિલોથી વધુ અખાદ્ય જથ્થો નાશ કર્યો હતો. આરોગ્ય વિભાગે બાકીની ચીજવસ્તુઓની નમૂના લઈ દુકાન સંચાલકને સ્વાસ્થ્યવર્ધક સ્થિતિ જાળવવા નોટિસ ફટકારી હતી.
ખાદ્ય વસ્તુઓનું વેચાણ કરતા અન્ય વેપારીઓને ત્યાં ચેકિંગ
આ સિવાય આરોગ્ય વિભાગની ટીમે શહેરના અલગ-અલગ વિસ્તારમાં ખાદ્ય વસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં પણ ચેકિંગ કામગીરી કરી હતી. ખાદ્યવસ્તુઓની નમૂના લેવા મહત્વની સૂચના પણ આપવામાં આવી હતી.