આજે વટ પૂર્ણિમાનું વ્રતઃ જાણો મુહૂર્ત અને મહત્ત્વ
- વટ સાવિત્રીનું વ્રત વર્ષમાં બે વખત રખાય છે
- જેઠ વદ અમાસ અને જેઠ સુદ પુનમનાં દિવસે વ્રત રખાય છે
- પતિના લાંબા આયુષ્ય માટે વ્રત કરવામાં આવે છે
વટ સાવિત્રીનું વ્રત વર્ષમાં બે વખત રાખવામાં આવે છે. પહેલુ જેઠ અમાસના દિવસે અને બીજુ જેઠ પૂર્ણિમાના દિવસે. સૌભાગ્યવતી મહિલાઓ પતિના લાંબા આયુષ્ય માટે આ વ્રત રાખે છે. આ વખતે જેઠ પૂર્ણિમાના દિવસે એટલે કે આજે 3 જુનના રોજ વટ પૂર્ણિમાનું વ્રત કરવામાં આવશે. આ દિવસે વટ વૃક્ષની પૂજા કરીને મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. સાથે દાંપત્યજીવનમાં ખુશહાલી જળવાઇ રહે છે.
પૂજા માટેના મુહૂર્ત
હિંદુ પંચાંગ અનુસાર વટ પૂર્ણિમાનું વ્રત શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે રાખવામાં આવે છે. વટ પૂર્ણિમાં વ્રતની પૂજા માટે 3 જુનના રોજ સવારે અને બપોરે સારુ મુહુર્ત છે. સવારે પૂજા માટે 7.07 વાગ્યાથી લઇને 8.51 સુધી સારુ મુહૂર્ત છે. બપોરના સમયે પૂજા માટે 12.20 વાગ્યાથી 2.02 વાગ્યા સુધીનું મુહૂર્ત છે. ઉલ્લેખનીય છે કે વટ પૂર્ણિમાનું વ્રત મુખ્ય રીતે ગુજરાત, મહારાષ્ટ્ર સહિત દક્ષિણ ભારતના રાજ્યોમાં મનાવવામાં આવે છે.
વટ પૂર્ણિમાં પૂજન વિધિ
જો તમે પહેલીવાર વ્રત રાખી રહ્યા હો તો સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા બાદ પીળા રંગના કપડા પહેરો. શ્રૃંગાર કરો. ત્યારબાદ ઘરના મંદિર અને વડના ઝાડની નીચે સફાઇ કરો, પછી આ સ્થાનને ગંગાજળ નાંખીને પવિત્ર કરી લો. ત્યારબાદ શુભ મુહુર્તમાં વટ વૃક્ષની પૂજા કરો. દીવો અને ધૂપ કરો. હવે વટ વૃક્ષના મુળને જળ અર્પિત કરો. તેમાં ચારેય બાજુ સાત વખત કાચો દોરો લપેટો. ત્યારબાદ વટ વૃક્ષની પરિક્રમા કરો. પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરો. વડના ઝાડ નીચે બેસીને સત્યવાન સાવિત્રીની કથા વાંચો.
આ પણ વાંચોઃ કાચું પપૈયું અનેક રીતે ફાયદાકારક..