કરમાવદમાં પાણી મુદ્દે મેવાણીના અલ્ટીમેટમથી બનાસકાંઠાના રાજકારણમાં ગરમાવો
પાલનપુર, બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં આવેલા કરમાવદ તળાવમાં પાણી નાખવા માટે 125 ગામના લોકો જળ આંદોલન ચલાવી રહ્યા છે. ત્યારે હવે પ્રધાનમંત્રીને પોસ્ટકાર્ડ લખવાનું અભિયાન પણ શરૂ કર્યું છે. પરંતુ વડગામના ધારાસભ્યએ મુખ્યમંત્રીને 21 તારીખે મળીને અલ્ટીમેટમ આપવાની વાત કરી છે. જેના પગલે જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જો કે ડીસા ખાતે આવેલા સી. આર. પાટીલે આગામી ચૂંટણીમાં મેવાણી હાર ભાળી ગયા હોવાનું અને તકવાદી હોવાનું જણાવીને પાણીની વાતો કરી રહ્યા છેતેમ જણાવ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં જળ આંદોલનને લઈને હવે રાજકીય વાક્યુદ્ધ છેડાયું છે. જેમાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળી 21 તારીખે અલ્ટીમેટમ આપવાની વાત કરતાં જ ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે વડગામના ધારાસભ્ય મેવાણીને તકવાદી ગણાવ્યા હતા અને પ્રશ્ન કર્યો હતો કે પાણીના મુદ્દે મેવાણી પાંચ વર્ષ ક્યાં ખોવાઈ ગયા હતા ? જેને લઈને કરમાવદ તળાવમાં પાણી નાખવાનો મુદ્દો હવે વધુને વધુ ગરમ થઇ રહ્યો છે.
તકવાદી મેવાણીને ચૂંટણી સમયે જ પાણી દેખાય છે, પાંચ વર્ષ ક્યાં હતા : સી. આર. પાટીલ
હવે ઉગ્ર આંદોલન કરાશે “પાણી નહીં, તો વોટ નહીં” : જીગ્નેશ મેવાણી
વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સરકારને અલ્ટિમેટમ આપી સત્તાવાર જાહેરાત કરવા અને બજેટ ફાળવવાની માગણી કરવાના છે. તેમણે આક્ષેપ કર્યો છે કે સરકારની કોઈ મન્શા નથી. માત્ર અધિકારીઓને મોકલી ઠાલા વચનો આપાઈ રહ્યા છે. હવે જો રાજ્ય સરકાર દ્વારા કરમાવદતળાવમાં પાણી નાખવામાં નહીં આવે “પાણી નહિ તો, વોટ નહિ”નું ઉગ્ર આંદોલન વડગામના ગ્રામ્ય વિસ્તારમાં લઇ જવાશે તેમ તેમણે ઉમેર્યું હતું. જ્યારે મેવાણી ના અલ્ટીમેટમ સામે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે પણ વળતો વાક પ્રહાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મેવાણી તકવાદી છે. અને આગામી ચૂંટણી આવી રહી છે ત્યારે તે હારી રહ્યા છે .હવે તેમને પાણી દેખાઈ રહ્યું છે. પાંચ વર્ષ સુધી કેમ તેમને પાણી યાદ ન આવ્યું. હવે પત્ર લખવાની વાતો કરે છે. ભાજપ અને પ્રધાનમંત્રીને ક્યારેય પત્ર લખવો પડતો નથી તેના પહેલા જ સરકાર ચિંતા કરે છે.
આમ, વાકયુદ્ધ છેડાતા આગામી સમયમાં વડગામમાં ચૂંટણીનો મુદ્દો પણ બની શકે છે.