અકસ્માત અટકાવવા સરકારે લીધો મહત્વનો નિર્ણય, હવે બાળકોને માર્ગ સલામતીના પાઠ ભણાવાશે
રાજ્યભરમાં અનેક જગ્યાઓ પર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે રાજ્યમાં વઘતા જતા માર્ગ અકસ્માતને રોકવા રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામા આવ્યો છે જે અંતર્ગત હવે બાળકોમાં નાનપણથી જ માર્ગ સલામતી અંગે સજાગતા આવે તે માટે પ્રયાસ કરવામાં આવશે.
અકસ્માત રોકવા સરકારનો નિર્ણય
ગાંધીનગર ખાતે બુધવારે રાજ્ય માર્ગ સલામતી પરિષદની બેઠક રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામા બેઠક મળી હતી. આ બેઠક બાદ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપતા જણાવ્યું હતુ કે “વર્ષ 2012ને પાયાના વર્ષ તરીકે ગણીએ તો તેની સરખામણીએ વર્ષ 2022માં રાજ્ય રાજ્યમાં વાહનોની સંખ્યામાં વધારો થયો છે. જોકે, તેમ છતાં સારી બાબત એ છે કે, છેલ્લાં 10 વર્ષમાં ગુજરાતમાં અકસ્માતોમાં ઘટાડો થયો છે, છેલ્લાં 10 વર્ષમાં ગુજરાતમાં અકસ્માતોની સંખ્યામાં 44 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે”
આગામી સત્રથી ધોરણ 6થી 12માં માર્ગ સલામતી અંગે અભ્યાસ થશે શરુ
વધુમાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતુ કે “અકસ્માતોને અટકાવવા માટે બાળકોમાં રોડ સેફ્ટીની જાગૃતિ હોવી જરૂરી છે. એટલા માટે આગામી સત્રથી ધોરણ 6થી 12માં ક્રમશ માર્ગ સલામતી અંગે અભ્યાસ શરુ કરવવામા આવશે”. રાજ્યમાં 5E -એન્જીનીયરીંગ, એન્ફોર્સમેન્ટ, ઈમરજન્સી, એજ્યુકેશન એન્ડ અવેરનેસ તથા ઈફેક્ટિવ કો-ઓર્ડીનેશન થકી રાજ્યમાં માર્ગ સલામતી મુદ્દે ઉત્કૃષ્ટ કામગીરી થઈ રહી છે.
નાગરિકોમાં હેલ્મેટ પહેરવા અંગે જાગૃતિ લાવવા માટેના પ્રયત્નો
વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં નાગરિકોમાં હેલ્મેટ પહેરવા અંગે જાગૃતિ લાવવા માટેના રાજ્યવ્યાપી પ્રયત્નો હાથ ધરવામાં આવશે.જે અંતર્ગત બાળકોના માતા-પિતા હેલ્મેટ પહેરવા બાબતે જાગૃત થાય તથા પોતાના બાળકોને હેલ્મેટ પહેરવાનો આગ્રહ રાખે તે માટેની જાગૃતિ લાવવાના પ્રયાસો હાથ ધરાશે. આ સાથે મંત્રીએ રોગ સાઈડ વાહન હંકારતા ચાલકો સામે કડક કાર્યવાહી કરવા તથા રોડ એન્જીનીયરીંગ બાબતે રોડ સાઈનેજીસ, ટ્રાફીક કામીંગ મેઝર્સ સહિતના તમામ જરૂરી પગલા લેવા જણાવ્યું હતુ.
માર્ગ સલામતીની દૃષ્ટિએ મોડલ રોડ તરીકે વિકસાવવા સૂચના આપી
આ બેઠકમાં હર્ષ સંઘવીએ રાજ્યના સરખેજ-ગાંધીનગર હાઈવે, ભરૂચ-સુરત હાઈવે તથા અમદાવાદ-રાજકોટ હાઈવે ઉપર તમામ પ્રકારના પગલા લઈ માર્ગ સલામતીની દૃષ્ટિએ મોડલ રોડ તરીકે વિકસાવવા સૂચના આપી હતી.તેમજ આ રીતે રાજયના અન્ય તમામ માર્ગો પર માર્ગ સલામતીને લગતા જરૂરી પગલા લેવા પર પણ ખાસ ભાર મૂક્યો હતો.
આ પણ વાંચો : પાકિસ્તાનના પંજાબમાં બોમ્બ બ્લાસ્ટ, 6ના મોત, 2 ઘાયલ, આ રીતે થયો વિસ્ફોટ