- આરોપીને દસ વર્ષથી લઈને આજીવન કેદની સજાની જોગવાઈ
- હાટકેશ્વર બ્રિજના નબળા બાંધકામના કેસમાં ચારની જામીન અરજી ફગાવાઈ
- વધુ આકરી સજાની જોગવાઈ સાથે નવા ગુના ઉમેરાયા : સરકાર
અમદાવાદના ખોખરા વિસ્તારમાં સ્થિત હાટકેશ્વર બ્રિજના નબળા બાંધકામના કેસમાં આરોપી અજય એન્જિનિયરિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લિ.ના ડાયરેક્ટર રમેશ હીરાભાઈ પટેલ, તેના બે પુત્રો ચિરાગ અને કલ્પેશ પટેલ અન્ય ડાયરેક્ટર રસિક અંબારામ પટેલની જામીન અરજી મેટ્રો કોર્ટે ફ્ગાવી દીધી છે.
પોલીસે મંગળવારે તેમને કોર્ટમાં રજૂ કર્યા હતા
આ સુનાવણી પહેલા, ચારેય આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા પોલીસે મંગળવારે તેમને કોર્ટમાં રજૂ કર્યા હતા. આ સમયે, પોલીસે વધુ ચાર દિવસના રિમાન્ડ માટે માગ કરેલી. જો કે, મેટ્રો કોર્ટે તે માગને નકારી હતી. આ પછી, આરોપીઓએ કોર્ટ સમક્ષ જામીન માટે અરજી કરેલી. સુનાવણી દરમિયાન, રાજ્ય સરકારની રજૂઆત હતી કે આ કેસની ગંભીરતાને જોઈને પોલીસે કેસમાં આઈપીસીની કલમ-409નો ઉમેરો કરેલો છે. કોઈપણ રાજ્યસેવક, બેંકર, વેપારી અથવા તો એજન્ટ ગુનાહિત વિશ્વાસઘાત આચરે તો તેમની સામે આ કલમ હેઠળ ગુનો દાખલ કરી શકાય છે.
આરોપીને દસ વર્ષથી લઈને આજીવન કેદની સજાની જોગવાઈ
આ કલમ લાગુ પડે તો આરોપીને દસ વર્ષથી લઈને આજીવન કેદની સજાની જોગવાઈ છે અને બિનજામીનપાત્ર ગુનો બને છે. હાટકેશ્વર બ્રિજના નબળા બાંધકામ મુદ્દે આઈઆઈટી રૂરકી અને સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ્ ટેકનોલજી સહિતના દેશની નામાંકિત લેબ અને સંસ્થાઓનો અભિપ્રાય છે કે, નક્કી કરાયેલા માપદંડ અને નિયમ મુજબ બ્રિજના બાંધકામમાં લઘુત્તમ સ્વીકાર્ય મજબૂતાઈ પણ જોવા મળતી નથી. આરોપી કોન્ટ્રાક્ટરોએ નબળી અને હલકી ગુણવત્તાનો માલસામાન વાપરેલો છે. જેના લીધે બ્રિજની મજબૂતાઈ અને ટકાઉપણા સામે અનેક પ્રકારના સવાલો ઉભા થાય છે.