ગુજરાત

અમદાવાદમાં કેસર કેરી મહોત્સવ જામ્યો, બે અઠવાડિયામાં જ 15 હજારથી વધુ ગ્રાહકોએ કરી આટલી ખરીદી

વસ્ત્રાપુર વિસ્તારમાં સ્થિત અમદાવાદ હાટ ખાતે તા.17 મે 2023ના રોજ રાજ્યના કૃષિમંત્રી  રાઘવજી પટેલના હસ્તે “કેસર કેરી મહોત્સવ 2023″ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. રાજ્ય સરકારના કૃષિ વિભાગના નિગમ એગ્રો ઈન્ડ્સટ્રીઝ કોર્પોરેશન દ્વારા દર વર્ષે કેસર કેરી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેનાથી અમદાવાદના શહેરીજનોને ગુણવત્તાયુક્ત અને કાર્બાઈડ મુક્ત કેસર કેરી મળે છે. આ ઉપરાંત ખેડૂતોને સીધુ વેચાણ કરવા માટેનું એક સફળ માધ્યમ આ મહોત્સવ બન્યો છે. તારીખ 17 મેથી 16 જૂન એમ એક મહિના સુધી ચાલનારા આ મહોત્સવના પ્રથમ બે અઠવાડિયામાં જ ગુણવત્તાયુક્ત કેરીનું સારું એવું વેચાણ થઈ ચુક્યું છે. તો વળી નાગરિકોને કેસર કેરીનો અસ્સલ સ્વાદ માણવા મળતા પ્રતિદિન મુલાકાતીઓની સંખ્યા વધી રહી છે.

_કેસર કેરી મહોત્સવ-humdekhengenews

કેસર કેરી મહોત્સવ એટલે શહેરીજનોને ગુણવત્તાયુક્ત કેરીની ગેરેન્ટી-  દિપેશ શાહ, એમ ડી. ગુજરાત એગ્રો

ગુજરાત એગ્રો ઈન્ડ્સ્ટ્રીઝ કોર્પોરેશનના મેનેજીંગ ડિરેક્ટર  દિપેશ શાહના જણાવ્યા પ્રમાણે કેસર કેરી મહોત્સવ ગુણવત્તાયુક્ત કેરીના બેન્ચમાર્ક સમાન બની ગયો છે. કારણ કે 2010થી પ્રતિવર્ષ નિયમિત થતા આયોજનને કારણે નાગરિકોમાં કેસર કેરી મહોત્સવમાંથી ઉત્તમ ફળ મળવાની ગેરેન્ટી સમાન વિશ્વાસ સંપાદિત થયો છે. ગત વર્ષે 15 દિવસ સુધી આ મહોત્સવ યોજાયો હતો. ત્યારબાદ નાગરિકોનો પ્રતિસાદ અને ખેડૂતોની માગને કારણે આ વર્ષે આ મહોત્સવને એક મહિના સુધી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. 2022માં મહોત્સવના માધ્યમથી 92 હજાર કિલો કેરીનું ખેડૂતોએ સીધું વેચાણ કર્યું હતું જ્યારે આ વર્ષના આયોજનના પ્રથમ બે અઠવાડિયામાં જ 100 મેટ્રિક ટન જેટલું વેચાણ નોંધાઈ ચુક્યું છે.  હેતલ દેસાઈ જનરલ મેનેજર એ જણાવ્યું કેસર કેરી મહોત્સવના રૂપે ખેડૂતોને સીધા વેચાણ માટે મજબૂત માધ્યમ મળ્યું છે. જેના થકી 30 ટકા જેટલો વધુ નફો ખેડૂતોને મળવાથી તેઓ પણ આનંદની લાગણી અનુભવી રહ્યા છે.

_કેસર કેરી મહોત્સવ-humdekhengenews

અહીં કેરી વેચવા માટે તમામ સાનુકૂળતા, અમને સીધો નફો મળતા સારી એવી આવક થાય છેઃ ખેડૂત ભાવેશભાઈ

ભાવેશભાઈ ગધેસરીયા તાલાળાના ગીરસોમનાથના ધાવાગીરથી અમદાવાદ કેસર કેરી મહોત્સવમાં કેરીના વેચાણ અર્થે આવ્યા છે. તેમણે 2017થી ઓર્ગેનિક ખેતી શરૂ કરી, ગાયનુ છાણ, વર્મી કમ્પોઝ્ડ, ગૌમૂત્ર સહિતની વસ્તુઓનો તેઓ ખેતીમાં ઉપયોગ કરે છે. જેના કારણે જમીન અને આંબા બંનેમાં સકારાત્મક અસર જોવા મળી, સાથોસાથ કેરીનો સ્વાદ પણ બેવડાયો. જેના કારણે છેલ્લા ઘણા વર્ષોથી અમદાવાદના અનેક ગ્રાહકો નિયમિત કેસર કેરી મહોત્સવમાં આવીને તેમની પાસેથી જ કેરી ખરીદે છે. ભાવેશભાઈ કહે છે કે, ગુજરાત એગ્રો દ્વારા ખૂબ જ સરસ રીતે આ મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે. અહીં કેરીના સીધા વેચાણને કારણે નફો પણ સારો એવો મળી રહે છે. જે બદલ તેમણે સરકાર  અને ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીયલ કોર્પોરેશનનો પણ આભાર માન્યો છે.

_કેસર કેરી મહોત્સવ-humdekhengenews

સંપૂર્ણ પારદર્શિતા સાથે ખેડૂતમંડળીઓ /FPO ને ફાળવાય છે સ્ટોલ

કેસર કેરી મહોત્સવના આયોજનના પ્રારંભિક તબક્કામાં રાજ્યભરમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો અને ખેડૂત મંડળીઓ પાસેથી અરજીઓ મંગાવાવમાં આવે છે. પસંદ થયેલા ખેડૂતો વચ્ચે ડ્રોના માધ્યમથી સ્ટોલની ફાળવણી થાય છે. આમ સંપૂર્ણ પારદર્શિતા સાથે સ્ટોલની ફાળવણી કરવામાં આવે છે. આ ઉપરાંત કેસર કેરી મહોત્સવના સ્થળ અમદાવાદ હાટ ખાતે ખેડૂતો અને ગ્રાહકોને કોઈપણ પ્રકારને અગવડ ન પડે તેની પુરતી તકેદારી રાખવામાં આવી છે. સમગ્ર આયોજન સાથે જોડાયેલા સુબોધ શાહ કહે છે કે, મુલાકાતીને મીઠો આવકાર આપવાથી માંડીને તેની ફરિયાદના નિવારણ સુધીનું સૂક્ષ્મ આયોજન અને અમલીકરણ થાય તે માટે મહોત્સવના સમગ્ર સમયગાળા દરમિયાન ખાસ કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. બીજી તરફ ખેડૂતો પણ ગ્રાહકોને પૂરી પારદર્શિતા સાથે કેરીનું વેચાણ કરે છે. અને કોઈ ફરિયાદના કિસ્સામાં ફળ બદલવા સુધીની તૈયારી રાખે છે. જો કે હજુ સુધી કોઈ ગ્રાહકની ગુણવત્તા કે અન્ય બાબતો મુદ્દે કોઈપણ ફરિયાદ મળી નથી. આ બાબત જ સમગ્ર આયોજનની સફળતાનો પુરાવો આપે છે.

_કેસર કેરી મહોત્સવ-humdekhengenews

બાગાયત વિભાગના અધિકારીઓ દ્વારા ખેડૂતોના કેરીના સેમ્પલની વિવિધ માપદંડોને આધારે ચકાસણી 

આમ, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન, અમદાવાદ મહાનગરપાલિકા અને અન્ય સહયોગીઓના સંયુક્ત પુરૂષાર્થના પરિણામે રાજ્ય સરકારનો ખેડૂતોને સમૃદ્ધ બનાવવાનો હેતુ સરે છે. સાથોસાથ ખેડૂતોને પ્રાકૃતિક અને ગાય આધારિત ખેતી કરવા પ્રોત્સાહન અને ખેત પેદાશોનું સીધું વેચાણ કરવા પ્લેટફોર્મ મળે છે. જેના કારણે તેમની આવકમાં પણ વૃદ્ધિ થઈ રહી છે. બીજી તરફ શહેરના નાગરિકોને આરોગ્યપ્રદ ઉત્પાદન મળવાને કારણ હોંશેહોંશે તેઓ કેસર કેરી મહોત્સવની મુલાકાત લઈ રહ્યા છે.

આ પણ વાંચો : અમદાવાદની જીવાદોરી બની જીવલેણ ! નદીની સાફ-સફાઈનો દાવો પોકળ સાબિત થયો

Back to top button