મહાઠગ કિરણ પટેલ બાદ વધુ એક મિ. નટવરલાલ ઝડપાયો, IAS બનવાનું સપનું તૂટ્યું તો ઠગ બન્યો !
આજકાલ PMOના નકલી અધિકારી બની ઠગાઈ કરવાના કિસ્સા વધી ગયા હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતના મહાઠગ કિરણ પટેલ બાદ હવે આવો જ એક ઠગ પૂણેમાંથી ઝડપાયો છે.
મહારાષ્ટ્રના પૂણેમાંથી ઝડપાયેલી ઠગની કહાની પણ કિરણ પટેલ જેવી છે. આ ઠગ પોતાને IAS ગણાવતો હતો અને કહેતો હતો કે તે PMOમાં ઈન્ટેલિજન્સનું કામ સંભાળે છે.
રિપોર્ટ અનુસાર, 54 વર્ષીય વાસુદેવ નિવૃત્તિ તાયડે PMOમાં ડેપ્યુટી સેક્રેટરી તરીકે કામ કરી રહ્યો હોવાનું લોકોને કહી વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેતો હતો. આ બધા કાર્યક્રમોમાં સરકારી અધિકારી બની જવા માટે આ ઠગે પોતાનું એક નવું નામ ડૉ. વિનય દેવ રાખ્યું હતું.
એક કાર્યક્રમમાં નકલી PMO અધિકારી ઝડપાયો
વાત એમ છે કે, બોર્ડરલેસ વર્લ્ડ ફાઉન્ડેશન નામની સંસ્થાએ 29મી મેના રોજ પૂણેના ઓંધમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં એક સેવાભાવી પહેલ હેઠળ એમ્બ્યુલન્સ જમ્મુ-કાશ્મીર મોકલવાની હતી. નકલી IAS ઓફિસર પણ ડૉ.વિનય દેવ બની આરોપી આવ્યો હતો. પરંતુ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓને તેની વર્તણૂક પર શંકા જતાં પોલીસને જાણ કરી.
વાસુદેવ તાયડે બન્યો નકલી IAS ડૉ.વિનય દેવ
તાયડે એકવાર યુપીએસસી પરીક્ષાની તૈયારી કરી હતી. ઘણા પ્રયત્નો પણ કર્યા. પરંતુ તે સફળ થઈ શક્યો નહીં. તેણે ક્યારે છેતરપિંડી શરૂ કરી, તે હવે તપાસનો વિષય છે. પરંતુ 23 વર્ષ પહેલા તે આવું જ કરતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર વર્ષ 2000માં તાવડે ધુલે જિલ્લામાં સરકારી અધિકારી તરીકે ફરતો હતો. ત્યારબાદ પોલીસે છેતરપિંડીનો ગુનો પણ દાખલ કર્યો હતો. બાદમાં તે ધુલે છોડીને પુણે આવ્યો હતો.
તાયડે પર છેતરપિંડી સંબંધિત ભારતીય દંડ સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે તેના જૂના રેકોર્ડની તપાસ શરૂ કરી છે, જેથી જાણી શકાય કે તેણે કોની-કોની સાથે છેતરપિંડી કરી છે.