અંબાતી રાયડુને વર્લ્ડકપ ટીમમાંથી બહાર કરવો એ મોટી ભૂલ હતી, અનિલ કુંબલેએ રવિ શાસ્ત્રી અને કોહલી પર સાધ્યુ નિશાન
અંબાતી રાયડુએ પ્રોફેશનલ ક્રિકેટ કરિયરને અલવિદા કહી દીધું છે. રાયડુ છેલ્લે IPL 2023ની ફાઇનલ મેચમાં CSKની ટીમ તરફથી રમતા જોવા મળ્યા હતા. રાયડુની આઈપીએલ કારકિર્દી ઘણી શાનદાર રહી. તેઓ IPLમાં 6 વિજેતા ટીમનો ભાગ રહ્યા હતા. આઈપીએલ 2013માં શાનદાર પ્રદર્શન બાદ રાયડુને ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી મળી હતી. તે જ વર્ષે તેમણે ઝિમ્બાબ્વે સામેની મેચથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. રાયડુ 2015ના વર્લ્ડ કપની ટીમનો ભાગ હતા પરંતુ તેમને એક પણ મેચ રમવાની તક મળી ન હતી.
વર્ષ 2018માં અંબાતી રાયડુની કરાઈ અવગણના
વર્ષ 2018માં અંબાતી રાયડુએ 4થા નંબરના બેટ્સમેન તરીકે ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું હતું. જો કે, રાયડુને મોટો આંચકો ત્યારે લાગ્યો જ્યારે 2019ના વર્લ્ડકપમાં વિજય શંકરને તેમના સ્થાને નંબર ચારના બેટ્સમેન તરીકે પસંદ કરવામાં આવ્યો. ત્યારે ભારતીય ટીમમાં 2 બેટ્સમેનોની જરૂર હતી પરંતુ તેમની અવગણના કરવામાં આવી હતી.
શું કહ્યું અનિલ કુંબલેએ?
અંબાતી રાયડુની નિવૃત્તિ પર અનુભવી સ્પિનર અનિલ કુંબલેએ કહ્યું કે, ‘આ બેટ્સમેને 2019નો વર્લ્ડ કપ રમવો જોઈતો હતો. તેને ટીમમાંથી પડતો મૂકવો એ મોટી ભૂલ હતી. ત્યારે ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રી હતા અને ટીમની કમાન વિરાટ કોહલીના હાથમાં હતી.’
અનિલ કુંબલેએ જિયો સિનેમા પર કહ્યું, ‘રાયડુએ 2019નો વર્લ્ડ કપ રમવો જોઈતો હતો. જી હા, તેમાં કોઈ શંકાને કોઈ સ્થાન નથી. આ એક મોટી ભૂલ હતી. તમે તેને લાંબા સમય સુધી તે ભૂમિકા માટે તૈયાર કર્યો અને પછી તેનું નામ ટીમમાં નહોતું. આ બાબત ખરેખર આશ્ચર્યજનક હતી.
અંબાતી રાયડુ પસંદગીકારોથી નારાજ હતા
અંબાતી રાયડુ તે સમયે પસંદગીકારોના આવા વલણથી ઘણા નારાજ થયા હતા. લોકોએ પણ પસંદગીકારોને ખરું-ખોટું સંભળાવ્યુ હતુ. રાયડુએ એ વખતે ક્રિકેટને અલવિદા કહી દીધું હતું પરંતુ બાદમાં તેમણે યુ-ટર્ન લીધો હતો. તેમણે IPL 2022 દરમિયાન બીજી વખત નિવૃત્તિની જાહેરાત કરી હતી. રાઈટ હેન્ડ બેટ્સમેન રાયડુએ આંતરરાષ્ટ્રીય સ્તરે 55 ODI અને 6 T20 મેચ રમી છે.
આ પણ વાંચો: અંબાતી રાયડુએ ફરી સંન્યાસની કરી જાહેરાત, હવે ભારતમાં નહીં રમે