બનાસકાંઠા: હીરા ઘસનારની દીકરીએ ટ્યુશન વગર 94% મેળવ્યા:ડીસા કેન્દ્રનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 75.51 ટકા પરિણામ
પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં પણ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે. જેમાં ડીસા કેન્દ્રનું 75.51 ટકા પરિણામ આવ્યું છે. જેમાં ટ્યુશન વગર અને હીરા ઘસતા શ્રમજીવી પરિવારની દીકરીએ 94% મેળવી શાળા અને પરિવારનું નામ રોશન કર્યું છે.
સાક્ષી રાઠોડે પરિવાર અને શાળાનું નામ રોશન કર્યું
વિદ્યાર્થીઓની જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આજે જાહેર થઈ ગયું છે. જેમાં બનાસકાંઠા જિલ્લાનો 79.38% પરિણામ આવ્યું છે. જ્યારે ડીસા કેન્દ્રનું 75.51 ટકા, ટેટોડા કેન્દ્રનું 85.08 ટકા, ભીલડી કેન્દ્રનું 71.50 ટકા જ્યારે રામપુરા કેન્દ્રનું 88.31 ટકા પરિણામ નોંધાયું છે.
આજે વહેલી સવારથી જ વિદ્યાર્થીઓ સારા પરિણામની આશા રાખીને બેઠા હતા. ત્યારે પરિણામ જાહેર થતાં જ વિદ્યાર્થીઓએ પોતાનું પરિણામ જોવા માટે ઓનલાઇન સર્ચ કરવા લાગી ગયા હતા. જેમાં ડીસાની આદર્શ હાઇસ્કૂલમાં અભ્યાસ કરતી સાક્ષી નેમચંદભાઈ રાઠોડે ટ્યુશન કર્યા વગર 94% મેળવતા શાળા અને પરિવારનું નામ રોશન કર્યું છે.
સાક્ષી ખૂબ જ મધ્યમ પરિવારમાંથી આવે છે. તેના પિતા હીરા ઘસીને પરિવારનું ગુજરાન કરાવે છે. જેથી સાક્ષીએ શરૂઆતથી જ પરિવારને વધુ ખર્ચ ન કરાવી જાતે જ મહેનત કરી ઉત્કૃષ્ટ પરિણામ લાવવાની ઈચ્છા હતી અને જેથી તે બારમાં ધોરણના વર્ગો શરૂ થાય તે પહેલેથી જ મહેનત કરવાનું શરૂ કર્યું હતું. ટ્યુશન ક્લાસ વગર જાતે મહેનત કરી 94% મેળવતા શાળા પરિવાર દ્વારા તેને ગીતા આપી સન્માનિત કરી હતી.
પરિણામ અંગે સાક્ષી રાઠોડે જણાવ્યું હતું કે, આપણને પોતાની જાત પર ભરોસો હોય અને મહેનત કરીએ તો ટ્યુશન ક્લાસ વગર પણ ખુબ જ સારું પરિણામ મેળવી શકાય છે. મારા 94 ટકા આવ્યા છે. જેથી ખૂબ જ એક્સાઇટમેન્ટ થાય છે અને આ પરિણામ માટે મારી મહેનતની સાથે સાથે ગુરુજનો અને પરિવારનો ખૂબ જ સપોર્ટ હતો.
જ્યારે શાળાના શિક્ષક હરેશ પવાયાએ જણાવ્યું હતું કે, આદર્શ હાઇસ્કુલમાં શિક્ષકોનો ધ્યેય બાળકોને ભણાવવાનો હોય છે અને તેના માટે દરેક શિક્ષક પૂરી મહેનત કરતા હોય છે. એક એક વિદ્યાર્થીના અભ્યાસ પાછળ શિક્ષકો દિલથી મહેનત કરે છે. જેના કારણે ટ્યુશન વગર પણ સાક્ષી 94% મેળવી શકી છે. જે શાળા માટે પણ ખૂબ જ ગૌરવની વાત છે.
આ પણ વાંચો :ચીને ઝોરાવર કિલ્લાને નષ્ટ કર્યો, ત્યાંથી ભારત પર નજર રાખી- લદ્દાખના કાઉન્સેલરનો દાવો