હિંદુઓ એક જ ગોત્રમાં કેમ લગ્ન કરતા નથી? શું છે તેની પાછળનું કારણ?
- જ્યારે ગોત્ર અલગ હોય ત્યારે જ લગ્ન માટે જન્માક્ષર મેળવવામાં આવે છે
- લગ્ન પહેલા કે કોઇ પૂજા પાઠ સમયે ગોત્ર અંગે જાણકારી મેળવવામાં આવે છે
- ગોત્ર સપ્તઋષિના વંશજના રૂપમાં હોવાનું જ્યોતિષવિદ્યાના જાણકારો કહે છે
હિંદુ ધર્મમાં ગોત્રનું વિશેષ મહત્ત્વ છે. રીતિ રિવાજોથી લઇને પૂજા પાઠ કે લગ્ન સમયે ગોત્ર અંગે જાણકારી માંગવામાં આવે છે. હિંદુ ધર્મના લગ્નોમાં ગોત્ર જાણ્યા વગર લગ્ન સંસ્કાર થતા નથી. જો છોકરો છોકરી એક જ ગોત્રના હોય તો લગ્ન થઇ શકતા નથી. તેથી લગ્ન પહેલા એકબીજાનું ગોત્ર જાણી લેવાય છે. જ્યારે ગોત્ર અલગ હોય ત્યારે જ લગ્ન માટે જન્માક્ષર મેળવવામાં આવે છે. આખરે હિંદુ ધર્મમાં ગોત્રનું આટલુ મહત્ત્વ કેમ છે?
સપ્તઋષિના વંશજથી બન્યા ગોત્ર
જ્યોતિષ અનુસાર ગોત્ર સપ્તઋષિના વંશજના રૂપમાં છે. સપ્તઋષિ ગૌતમ, કશ્યપ, વશિષ્ઠ, ભારદ્વાજ, અત્રિ, અંગિરસ, મૃગુ છે. વૈદિક કાળથી ગોત્રને માનવાનુ શરૂ થઇ ગયુ હતુ. આ બાબત લોહીના સંબંધો વચ્ચે લગ્નોથી બચવા માટે સ્થાપિત કરાયા હતા. સાથે સાથે સખત નિયમો પણ બનાવાયા હતા કે એક જ ગોત્રના છોકરા છોકરી લગ્ન નહીં કરી શકે.
ગોત્રનો અર્થ શું છે?
ગોત્રનો અર્થ છે કે આપણે એક પુર્વજ પરિવારના છીએ. આ કારણે એક જ ગોત્રના છોકરો કે છોકરી ભાઇ-બહેન કહેવાય છે. જો એક જ ગોત્રમાં છોકરાઓ કે છોકરીઓ લગ્ન કરે છે તો સંતાન પ્રાપ્તિમાં બાધા આવે છે. બાળકોના જીનમાં પણ આનુવંશિક વિકૃતિ ઉત્પન્ન થાય છે. સંતાન માનસિક અને શારિરીક વિકૃત પણ થઇ શકે છે.
લગ્ન માટે છોડવામાં આવે છે ત્રણ ગોત્ર
હિંદુ ધર્મમાં પાંચ કે કમસેકમ ત્રણ ગોત્ર છોડીને લગ્ન કરાવાય છે. ત્રણ ગોત્રમાં પહેલુ સ્વયંનુ ગોત્ર, બીજુ માતાનું ગોત્ર અને ત્રીજુ દાદીનું ગોત્ર. આ ત્રણ ગોત્રમાં લગ્ન થતા નથી. આ ત્રણ ગોત્ર છોડીને લગ્ન કરનારને દાંપત્યજીવનમાં કોઇ સમસ્યા આવતી નથી.
આ પણ વાંચોઃ શું વાત છે, નિર્દોષ ફળ ગણાતુ પપૈયુ પણ હેલ્થને નુકશાન કરી શકે?