ઉત્તર ગુજરાતગુજરાત

વાવાઝોડું આવતાં કેરીનો ફાલ ખરી પડ્યો : ડીસામાં આંબાના ઝાડ ભાડે રાખતા પરિવારોને અઢીથી ત્રણ કરોડનું નુકસાન

Text To Speech
  • 1000 જેટલા આંબા પરની કેરીઓ જમીનદોસ્ત થઈ

પાલનપુર : બનાસકાંઠામાં વાવાઝોડાને પગલે ખેડૂતોના જાનમાલને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. ત્યારે ડીસાપંથકમાં અંદાજિત 1000 જેટલા આંબા પરની કેરીઓ પણ જમીનદોસ્ત થઈ જતા આંબા ભાડે રાખનાર પરિવારોને પણ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.


આ વખતે લોકોને ઉનાળાની સિઝનમાં કેરીનો સ્વાદ બરાબર ચાખવા મળ્યો નથી. કારણ કે અગાઉ પણ સમગ્ર ગુજરાતમાં ભારે વાવાઝોડાના કારણે કેરી પરના મોર પડી ગયા હતા. ત્યારબાદ ગઈકાલે ફરી એકવાર ભારે વાવાઝોડાના કારણે આવેલા તોફાની આંધીએ ડીસા તાલુકામાં અનેક આંબાના ઝાડને પણ નુકસાન પહોંચાડ્યુ છે, અને આંબા પર આવેલી હજારો કિલો કેરીઓ જમીનદોસ્ત થઈ ગઈ હતી. જેથી આંબાઓ ભાડે રાખનાર પરિવારોને કેરીનો ફાલ પડી જતા સિઝન ફેલ ગઈ છે અને લાખો રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું છે.


ડીસા તાલુકામાં અંદાજિત એક હજાર જેટલા આંબાના ઝાડ આવેલા છે અને એક ઝાડ અંદાજિત 25થી 30 હજારમાં ભાડે રાખતા હોય છે, પરંતુ આ વખતે ભાડે રાખનાર પરિવારો આંબા પરથી એક કિલો પણ કેરી લઈ શક્યા નથી. પહેલા ઉનાળાની શરૂઆતમાં ઝાડ પર મોર આવ્યા હતા, પરંતુ વાવાઝોડાના કારણે તમામ ફાલ ખરી પડ્યો હતો. ત્યારબાદ ફરી એકવાર મહામુસીબતે કેરીનો પાક તૈયાર થવા આવ્યો હતો પરંતુ તેમાં પણ ગઈકાલે આવેલા વિનાશમાં તમામ આબાના ઝાડ પરની કેરીઓ જમીનદોસ્ત થઈ ગઇ હતી. જેથી આંબા ભાડે રાખનાર પરિવારોને પણ અંદાજિત અઢીથી ત્રણ કરોડ રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.


આ નુકસાન અંગે વિક્રમજી અને ભરતભાઈએ જણાવ્યું હતું કે, દર વર્ષે અમે એક આંબા પરથી અંદાજિત 25 થી 30 હજાર રૂપિયા જેટલી કેરીઓનું વેચાણ કરી આવક મેળવતા હતા, પરંતુ આ વખતે વારંવાર વાવાઝોડું અને કોમસમી વરસાદ ચાલુ જ રહ્યો છે. તેના કારણે મોટું નુકસાન વેઠવું પડ્યું છે. બે દિવસથી પણ જે રીતે વાવાઝોડું અને વરસાદ પડી રહ્યો છે તેના કારણે આંબા પર તમામ કેરીનો ફાલ હતો તે પડી ગયો છે અને આખી સિઝન ફેલ થઈ ગઈ છે.

આ પણ વાંચો : બનાસકાંઠા : સાત રાજ્યોના ધારાસભ્યનું ડેલીગેશન ઓસ્ટ્રેલિયા પહોંચ્યું, ઓસ્ટ્રેલિયાના સાંસદો સાથે સંવાદ

Back to top button