કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

દ્વારકા નજીક હાઇવે ઉપર કાર પલટી મારી જતા યુવતીનું મોત નીપજ્યું

Text To Speech
  • રાજકોટના પરિવારને ખંભાળિયા નજીક અકસ્માત નડ્યો
  • અકસ્માતની ઘટનામાં બાળક સહિત ચાર ઇજાગ્રસ્ત
  • મૃતકના ભાઈએ ચાલક સામે નોંધાવી ફરિયાદ

દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયા-દ્વારકા ધોરીમાર્ગ પર ગઈકાલે રવિવારે બપોરે એક કારના ચાલકે પોતાના સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા આ મોટરકાર પલટી ખાઈ ગઈ હતી અને રાજકોટના પરિવારને અકસ્માત નડ્યો હતો. જેના કારણે તેમાં સવાર એક યુવતીનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અન્ય મુસાફરોને પણ નાની-મોટી ઈજાઓ થવા પામી હતી.

શું છે આખી ઘટના

આ સમગ્ર પ્રકરણની વિગત એવી છે કે, રાજકોટના રેલનગર વિસ્તારમાં રહેતા વિજય જગદીશભાઈ ચૌહાણ (ઉ.35 વર્ષ) તેમના બહેન પૂજાબેન, બનેવી મિતેશકુમાર અને તેમના પુત્ર-પુત્રી તથા તેમના ભાઈ કમલેશ જગદીશભાઈ ચૌહાણ વગેરેને સાથે લઈ તેમની સેલેરિયો મોટરકારમાં રાજકોટથી દ્વારકા દર્શનાર્થે નીકળ્યા હતા. આ પરિવારજનો રવિવારે બપોરે આશરે દોઢેક વાગ્યે ખંભાળિયાથી આશરે 20 કિલોમીટર દૂર લીંબડી જતા માર્ગ પર પહોંચ્યા હતા. ત્યારે સીદસરા ગામના પાટીયા નજીક સામે આવી રહેલી એક ફોર્ચ્યુનર કારને જોઈને કારચાલક કમલેશભાઈએ પોતાની કાર ડાબી બાજુ વાળતાં તેમણે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. જેના કારણે તેમની સેલેરિયો કાર રોડની એક બાજુ પલટી ખાઈ ગઈ હતી.

ખંભાળિયા પોલીસ મથકે ગુનો નોંધાયો

આ ગંભીર અકસ્માતમાં મોટરકારમાં જઈ રહેલા મૂળ નાસિકના અને હાલ રાજકોટમાં રેલ નગર ખાતે રહેતી રોશનીબેન નામદેવભાઈ ભગત (ઉ.27 વર્ષ) ને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ સાથે તેણીને ઈમરજન્સી 108 વાહન મારફતે ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ અકસ્માતમાં કારમાં જઈ રહેલા પૂજાબેન, તેમના પતિ મિતેશકુમાર તેમજ બે બાળકો વગેરેને વધુ અહીંની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર બનાવ અંગે વિજય ચૌહાણની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે કાર ચાલક એવા તેમના ભાઈ કમલેશભાઈ જગદીશભાઈ સામે આઈ.પી.સી. કલમ 279, 304(અ), 337, 338 તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી આગળની તપાસ અહીંના પી.એસ.આઈ. ડી.જી. પરમાર દ્વારા હાથ ધરવામાં આવી છે.

Back to top button