બનાસકાંઠા : ડીસાના માલગઢમાં ત્રણ મકાનોમાં તસ્કરો ત્રાટક્યા, બે લાખની ચોરી
- સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ લઇ અજાણ્યા શખ્સો ફરાર
- ડીસા તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
પાલનપુર : ડીસા પંથકમાં રવિવારે મોડી રાત્રે આવેલા તોફાની વાવાઝોડાનો તસ્કરોએ લાભ ઉઠાવ્યો હોવાની ઘટના સામે આવી છે અને ડીસાના માલગઢ ગામમાં ત્રણ મકાનોને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો સોના-ચાંદીના દાગીના અને રોકડ સહીતના માલમત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા છે. આ અંગે ડીસા તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના માલગઢ ગામના જય જોગમાયા પરા વિસ્તાર અને ખેતરમાં રવિવારે રાત્રે અજાણ્યા તસ્કરોએ ત્રણ મકાનોને નિશાન બનાવ્યા છે. જેમાં સુખદેવભાઇ શંકરજી દેવડાના મકાનમાં પાછળના ભાગે આવેલી બારી તોડી તસ્કરો અંદર પ્રવેશ્યા હતા. જ્યારે વાઘાજી દાનાજી પઢિયારના મકાનમાં આગળનો દરવાજાનો નકુચો તોડી તસ્કરો મકાનમાં ઘુસ્યા હતા અને તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી પલાયન થઇ ગયા હતા.
સોમવારે વહેલી સવારે જ્યારે પરિવાર ઘરનો દરવાજો ખોલી અંદર પ્રવેશ્યા તો ઘરમાં તમામ માલ-સામાન વેર-વિખેર હાલતમાં પડ્યો હતો. જેથી ચોરી થઇ હોવાનું માલૂમ પડ્યું હતું. ગામમાં ચોરી થઇ હોવાની માહિતી મળતાં જ સરપંચના પતિદેવ ભેરાજી કસ્તુરજી સુંદેશા અને ગામના લોકો તાત્કાલીક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જ્યારે આ બનાવ અંગે જાણ કરતાં ડીસા તાલુકા પોલીસ પણ પહોંચી હતી. જ્યાં પ્રાથમિક તપાસ કરતાં બે મકાનમાંથી ચોરી થઇ હોવાનું જણાયું હતું.જ્યારે અન્ય ભરતભાઇ ચમનાજી પઢિયારના મકાનમાં પણ તસ્કરોએ નિષ્ફળ પ્રયાસ કર્યો હોવાનું માલૂમ પડ્યું હતું. જે અંગે મકાન માલિકની રજૂઆતના આધારે ડીસા તાલુકા પોલીસે અજાણ્યા તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.
આ ચોરી અંગે મકાન માલિક મધુબેન સુખદેવભાઇ દેવડાએ જણાવ્યું હતું કે, ‘તેમના ઘરમાંથી રાત્રે ચોરી થઇ છે. રાત્રિના સમયે ઘરની પાછળના ભાગે આવેલી બારીની ગ્રીલ કાપીને ચોર અંદર પ્રવેશ્યા હતા અને ઘરમાંથી અંદાજીત રૂ.1,50,000 થી રૂ. 2,00,000 ના સોના-ચાંદીના દાગીના અને રૂ. 25,000 રોકડ રકમની ચોરી કરી ગયા છે તેમજ કોઇ જાણભેદુ હોવાની પણ તેમણે શંકા વ્યક્ત કરી હતી.’
અત્રે ઉલ્લેખનીય છે કે, ‘માલગઢ ગામમાં અગાઉ મંદિરમાંથી ચોરી થઇ હતી. ત્યારે પોલીસે સતર્કતા દાખવી તસ્કરોને ઝડપી પાડ્યા હતા. ત્યારે ફરી એકવાર માલગઢ ગામમાં એક સાથે ત્રણ મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા છે. જેથી પોલીસ તાત્કાલીક તસ્કરોને ઝડપી પાડે તેવી મકાન માલિકોએ રજૂઆત કરી છે.’