- હાયર સેકન્ડરી સ્કૂલો શરૂ કરવા શિક્ષણ બોર્ડે આપી મંજૂરી
- અંગ્રેજી માધ્યમની 29 સ્કૂલોને પ્રોવિઝનલ મંજૂરી
- ધો.11 શરૂ કરવા કુલ 123 અરજીમાંથી 63 નામંજૂર
નવા શૈક્ષણિક વર્ષ-2023ની રાજ્યમાં નવી ખાનગી હાયર સેકન્ડરી સ્કૂલ શરૂ કરવા માટે શિક્ષણ બોર્ડ સમક્ષ કુલ 123 અરજીઓ આવી હતી. જેમાંથી 63 અરજીઓ નામંજૂર કરવામાં આવી છે જ્યારે 60 અરજીઓમાં પ્રોવિઝનલ મંજૂરી આપવામાં આવી છે. આમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની લીલીઝંડી મળતાં નવા વર્ષથી ગુજરાતી માધ્યમની 31 અને અંગ્રેજી માધ્યમની 29 મળી કુલ 60 નવી ખાનગી હાયર સેકન્ડરી સ્કૂલોનો પ્રારંભ થશે.
શાળાઓ શરૂ કરવા માટે 123 અરજીઓ આવી હતી
સંચાલકો દ્વારા ઓનલાઈન અરજી કરાયાં બાદ કમિટી દ્વારા રૂબરૂ હિયરિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. આ વખતે રાજ્યમાં કુલ 123 અરજીઓ આવી હતી. જેમાં અંગ્રેજી માધ્યમની સ્કૂલો શરૂ કરવા માટે કુલ 56 અરજી આવી હતી જેમાં સાયન્સની સ્કૂલો માટે કુલ 21 અરજી આવી હતી જેમાથી 12ને મંજૂરી આપવામાં આવી જ્યારે 9 અરજીઓ નામંજુર કરાઈ.
સાયન્સ શાળા શરૂ કરવા માટે 14 અરજી હતી
ગુજરાતી માધ્યમની સ્કૂલો શરૂ કરવા કુલ 66 અરજીઓ આવી જેમાથી 31 અરજીઓ મંજૂર કરાઈ છે, જેમાં સાયન્સ માટે 14 અરજી આવી હતી જ્યારે સામાન્ય પ્રવાહ માટે 17 અરજી આવી હતી. આ સિવાય જે 35 અરજી નામંજૂર કરવામાં આવી તેમાં સામાન્ય પ્રવાહની 21 હતી જ્યારે વિજ્ઞાન પ્રવાહની 14 અરજી હતી. આ સિવાય હિન્દી માધ્યમમાં માત્ર 1 અરજી આવી હતી જેમાં સામાન્ય પ્રવાહ માટે મંજૂરી માગી હતી પરંતુ અપાઈ નથી.