બનાસકાંઠા : ડીસામાં તંત્રની વધુ એક બેદરકારી, ભૂગર્ભ ગટરની ચેમ્બરના ખુલ્લા ઢાંકણામાં ગાય ગરકાવ
પાલનપુર : બનાસકાંઠાના ડીસામાં તંત્રની વધુ એક બેદરકારી આજે પાટણ હાઇવે પરથી સામે આવી હતી. પાલિકાની બેદરકારીના લીધે ભૂગર્ભ ગટરની ચેમ્બરના ખુલ્લા ઢાંકણામાં એક ગાય ગરકાવ થઈ ગઈ હતી,બનાવને પગલે સ્થાનિકોએ કલાકોની જહેમત બાદ આ ગાયને સહી સલામત બહાર કાઢવામાં સફળતા મળી હતી.
ડીસા શહેરના પાટણ હાઇવે પર આવેલા શુભમ પાર્ટી પ્લોટ નજીક પાલિકાની બેદરકારીના લીધે અનેક જગ્યાએ ભૂગર્ભ ગટરના ઢાંકણા ખુલ્લી હાલતમાં છે.આ ખુલ્લા ઢાંકણા એટલા જોખમી છે કે તેમાં કોઈ બાળક કે વ્યક્તિ પણ ગરકાવ થઈ તો જાનહાનિ થઈ શકે તેમ છે. ત્યારે આજે સવારના સમયે આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ચેમ્બરના ખુલ્લા ઢાંકણામાં એક ગાય ગરકાવ થઈ ગઈ હતી.આ ઢાંકણા એક દમ સાંકડા હોવાના લીધે ગાય તેમાં ગરકાવ થતાં ખૂબ જ ખરાબ રીતે ફસાઈ જતા ઇજાગ્રસ્ત થઇ હતી.
ઘટનાને પગલે આજુબાજુના લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળ પર એકત્રિત થઈ ગયા હતા અને ગાયને બચાવવા માટે અલગ અલગ તરકીબો કરવા માંડ્યા હતા.. લગભગ દોઢ થી બે કલાક સુધી લોકો ભારે જહેમત ઉઠાવ્યા બાદ ગાયને બહાર નિકાળવામાં સફળતા મળી હતી. આ ઘટના બનતા આસપાસના લોકોએ સ્થાનિક નગરપાલિકાની લાપરવાહી સામે ગંભીર રોષ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે પાટણ હાઈવે પણ અનેક જગ્યાએ ઘટરના ઢાંકણા ખુલ્લી હાલતમાં છે ત્યારે નગરપાલિકા દ્વારા તાત્કાલિક તમામ જગ્યાએ ઢાંકણા લગાવવામાં આવે તેવી લોકોની માંગ છે.
આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસાના થેરવાડામાં ઝાડમાંથી પસાર થતાં વિજવાયરમાં શોર્ટસર્કિટ, ભડાકા થતા વીજળી ગુલ