બદલજો તમારી બેડશીટ ધોવાની રીતઃ નહીંતો 2-3 ધુલાઇમાં જ થશે ખરાબ
- ગંદી બેડશીટ હેલ્થને નુકશાન કરી શકે છે
- બેડશીટ ગંદી થાય ત્યારે જ ધોતા હશો તો મોટી ભુલ ગણાશે
- બેડશીટને ગરમ પાણીમાં ક્યારેય ન ધુઓ
બેડ પર પાથરેલી ચાદર ગાદલાને ગંદુ થતા તો બચાવે છે, પરંતુ બેડરૂમના લુકને પણ સુંદર બનાવે છે. તે તમને આરામદાયક ઉંઘ પણ આપી શકે છે. તેથી ચાદરની ક્વોલિટી અને તેને ધોવાની રીત અંગે પણ ધ્યાન રાખવુ જરૂરી છે. એક ગંદી ચાદર તમને મહેમાનો સામે અસહજ કરવાની સાથે તમારા આરોગ્ય પર પણ ખરાબ અસર પાડી શકે છે. તેથી ચાદર ધોવાની સાચી રીત ખબર હોવી જરૂરી છે. જો તમે ચાદર ધોતી વખતે કેટલીક ભુલો કરશો તો તે જલ્દી જુની અને ખરાબ થઇ જશે.
ગંદી થાય ત્યારે જ બેડશીટ ધોવી
જો તમે તમારી બેડશીટને ત્યારે જ ધુઓ છો જ્યારે તે ગંદી દેખાય, તો તમે મોટી ભુલ કરી રહ્યા છો. આમ કરવાથી તેની પર ડસ્ટ અને પરસેવાના કારણે વધુ પડતા બેક્ટેરિયા જમા થઇ જશે. તે ચાદરની ક્વોલિટીને પ્રભાવિત કરશે અને સાથે સાથે આરોગ્ય માટે પણ તે હાનિકારક બનશે. ચાદરને સામાન્ય રીતે અઠવાડિયામાં બે વખત ધોવાની સલાહ અપાય છે.
બીજા કપડા અને ટોવેલની સાથે બેડશીટ ધોવી
દરેક કપડાનું ફેબ્રિક અલગ અલગ હોય છે. તેથી તેને મશીનમાં ધોવાની રિક્વાયરમેન્ટ પણ અલગ અલગ હોય છે. જો તમે બીજા કપડા સાથે ચાદરને વોશિંગ મશીનમાં નાંખી દો છો તો તે સારી રીતે સાફ થઇ શકતી નથી. આ ઉપરાંત બટન કે ચેન ફસાવાના કારણે તેમજ સખત કપડાની સાથે ઘસાવાના કારણે ચાદરનું ફેબ્રિક ડેમેજ થઇ જાય છે અને ફાટવાનો ખતરો રહે છે.
વધુ પડતા ડિટર્જન્ટનો ઉપયોગ કરવો
સામાન્ય માન્યતા એવી છે કે જો તમારી ચાદર ખૂબ ગંદી હોય તો તેને સાફ કરવા માટે વધુ ડિટર્જન્ટની જરૂર પડશે, પરંતુ આ માન્યતા સંપુર્ણ રીતે ખોટી છે. ડિટર્જન્ટનો વધુ પડતો ઉપયોગ ચાદરને બેરંગ અને કમજોર બનાવી શકે છે. ચાદરને સાફ કરવા 1 ચમચીથી વધુ ડિટર્જન્ટનો ઉપયોગ ન કરશો.
ગરમ પાણીમાં ધોવી
કેટલાક લોકો માને છે કે ગરમ પાણીમાં ચાદર કે અન્ય કપડાં ધોવાથી તેની ગંદકી જલ્દી સાફ થઇ જાય છે, પરંતુ આ માન્યતા સાવ ખોટી છે. ગરમ પાણીમાં ડાઘ વધુ પાક્કા બની જાય છે. એટલુ જ નહીં, પરંતુ ફેબ્રિક પણ નબળુ પડવા લાગે છે અને તેની વાસ્તવિક ચમક ગુમાવી દે છે.
બેડશીટ પર લગાવેલા લેબલને ન વાંચવુ
બેડશીટ પર લેબલ તેની દેખભાળ માટે હોય છે. તેમાં તેના દિશાનિર્દેશ આપેલા હોય છે. જો તમે તેને નજરઅંદાજ કરીને તમારી મરજી મુજબ ધુઓ છો તો તે યોગ્ય નથી. કોટન ચાદરને ઓછા તાપમાન પર ધોવી સૌથી સારુ કહેવાય છે. તેને ઇસ્ત્રી કરવાનું કે ટંબલ ડ્રાયરમાં નાંખવાનું પણ ટાળવુ જોઇએ.
આ પણ વાંચોઃ બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી હેલિકોપ્ટરથી અંબાજી દર્શનાર્થે જશે