- દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરીને માંગ કરવામાં આવી
- નીચલી કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી
- મલિક ઉપર ટેરર ફંડીગનો હતો કેસ
JKLF ચીફ અને અલગતાવાદી નેતા યાસીન મલિક માટે મુશ્કેલી વધી શકે છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ શુક્રવારે દિલ્હી હાઈકોર્ટમાં અલગતાવાદી નેતા યાસીન મલિક માટે ફાંસીની સજાની માંગ કરી હતી. યાસીનને ટેરર ફંડિંગ કેસમાં નીચલી અદાલતે આજીવન કેદની સજા ફટકારી હતી. જસ્ટિસ સિદ્ધાર્થ મૃદુલ અને તલવંત સિંહની બેંચ સમક્ષ NIAની અરજી પર 29 મેના રોજ સુનાવણી થશે.
શા માટે ફરી ફાંસી આપવાની માંગ કરાઈ ?
ઉલ્લેખનીય છે કે, કોર્ટે જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF)ના વડા યાસીનને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ (UAPA) અને IPC હેઠળ વિવિધ ગુનાઓમાં દોષિત ઠેરવ્યા બાદ આજીવન કેદની સજા સંભળાવી હતી. મહત્વનું છે કે, 2017માં NIAએ યાસીન મલિક વિરુદ્ધ ટેરર ફંડિંગનો કેસ નોંધ્યો હતો. ત્યારથી આ મામલાની પટિયાલા કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી. NIAએ કોર્ટમાં તમામ પુરાવા રજૂ કર્યા. તેમણે કહ્યું કે યાસીન મલિક દેશમાં આતંકવાદી ઘટનાઓને પ્રોત્સાહન આપવા માટે પાકિસ્તાન સહિત વિશ્વના ઘણા દેશોમાંથી પૈસા મેળવતો હતો. તે પૈસા દ્વારા દેશમાં ઘણી મોટી આતંકવાદી ઘટનાઓને અંજામ આપવામાં આવ્યો હતો.
પુરાવાઓ રજૂ થતા મલિકે ગુના કબુલ્યા
NIAએ યાસીન સામેના દરેક આરોપ માટે પુરાવા રજૂ કર્યા. આ પછી યાસીન મલિકે પોતાના ગુના કબૂલ કરવા પડ્યા હતા. યાસીનને ગયા વર્ષે 19 મેના રોજ કોર્ટે દોષિત ઠેરવ્યો હતો. 25 મેના રોજ તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જો કે NIAએ યાસીન મલિકને ફાંસીની સજાની માંગ કરી હતી.