વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે કરી મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા સમય પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. આ બેઠક રાષ્ટ્રપતિ ભવનમાં થઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે, રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન વચ્ચે આ સૌજન્ય મુલાકાત હતી. હાલમાં રાષ્ટ્રપતિ ભવન કે વડાપ્રધાન કાર્યાલય તરફથી આ બેઠક અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ પદ માટે 18 જુલાઈએ ચૂંટણી થવાની છે.
રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે
હાલમાં જ ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરતા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ સમાપ્ત થઈ રહ્યો છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે 15 જૂનના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. નામાંકન ભરવાની છેલ્લી તારીખ 29 જૂન રહેશે. આ ઉપરાંત ઉમેદવારી પત્રોની ચકાસણી 30મી જૂને થશે અને ઉમેદવારી પત્રો પરત ખેંચવાનો છેલ્લો દિવસ 2 જુલાઈ રહેશે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે 18 જુલાઈએ મતદાન થશે, જ્યારે મતગણતરી 21 જુલાઈએ થશે.
આ પહેલા રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રગતિ મેદાન ઈન્ટીગ્રેટેડ ટ્રાન્ઝિટ કોરિડોર પ્રોજેક્ટના મુખ્ય ટનલ અને પાંચ અંડરપાસનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રોજેક્ટ પ્રગતિ મેદાન રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનો મહત્વનો ભાગ છે. કેન્દ્ર સરકાર દ્વારા સંપૂર્ણ ભંડોળ પૂરું પાડવામાં આવેલ, આ પ્રોજેક્ટનો ખર્ચ રૂ. 920 કરોડથી વધુ છે. આ કાર્યક્રમ બાદ જ પીએમ મોદી સીધા રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા.