- ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ પાણીનો જથ્થો મહેસાણા જિલ્લામાં સંગ્રહિત
- દાંતીવાડા ડેમ સહિતમાં પાણી વિના તળિયાં દેખાઈ ગયાં
- ઉ.ગુજરાતનાં જળાશયોમાં ક્ષમતા કરતાં માંડ 30.09 ટકા જ પાણી બચ્યું
ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાં આવેલા ડેમમાં 30.09 ટકા જ પાણીનો જથ્થો બચ્યો છે. સિંચાઈ માટે જળ પુરવઠો ફાળવવામાં આવતો ન હોવા છતાં પણ કાળઝાળ ગરમીના કારણે બાષ્પીભવન અને જમીનમાં શોષણથી પ્રતિદિન પાણીનો પુરવઠો ઘટી રહ્યો છે.
ઉત્તર ગુજરાતમાં એક માત્ર ધરોઈ જળાશય જ એવું છે કે જેમાં પાણીનો પુરવઠો 43.69 ટકા જેટલો
ઉત્તર ગુજરાતમાં એક માત્ર ધરોઈ જળાશય જ એવું છે કે જેમાં પાણીનો પુરવઠો 43.69 ટકા જેટલો છે. ક્ષમતા કરતાં વર્તમાન સમયે જળ સંચયના મામલે બનાસકાંઠા જિલ્લાનાં જળાશયોની હાલત કફોડી છે. દાંતીવાડા ડેમ સહિતમાં પાણી વિના તળિયાં દેખાઈ ગયાં છે. મહેસાણા જિલ્લામાં જળ સંચયના મામલે ક્ષમતા સામે હાલમાં 355.26 મિલિયન ઘનમીટર પાણીનો જથ્થો બચ્યો છે. ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ પાણીનો જથ્થો મહેસાણા જિલ્લામાં સંગ્રહિત છે.
ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ પાણીનો જથ્થો મહેસાણા જિલ્લામાં સંગ્રહિત
પ્રાપ્ત થતી આધારભૂત માહિતી અનુસાર ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ પાણીનો જથ્થો મહેસાણા જિલ્લામાં સંગ્રહિત છે. જયારે અરવલ્લી જિલ્લામાં 129.50 મિલિયન ઘનમીટર, બનાસકાંઠા જિલ્લામાં 99.87 મિલિયન ઘનમીટર અને સાબરકાંઠા જિલ્લામાં 35.75 મિલિયન ઘનમીટર પાણીનો જ જથ્થો છે. ઉત્તર ગુજરાતનાં સવા ડઝન જેટલાં જળાશયોમાં જળસંગ્રહની ક્ષમતા 1734.83 મિલિયન ઘનમીટર છે. આ ક્ષમતા સામે 537.12 મિલિયન ઘનમીટર જ પાણી બચ્યું છે. જયારે એક માત્ર ધરોઈ જળાશયમાં 287.75 મિલિયન ઘનમીટર પાણીનો જીવંત જથ્થો છે. જે 43.69 ટકા જેટલો છે. તેમ છતાં પણ સિંચાઈ માટે પાણી છોડવામાં આવતું નથી અને પેયજળ માટે આ જથ્થો અનામત રખાયો છે.
ડેમની મહત્તમ સપાટી 622 ફૂટની સાપેક્ષમાં 621 ફૂટ સુધી પાણી ભરાયું
ઉ.ગુજરાતની જીવાદોરી મનાતી ધરોઈ સિંચાઈ યોજનામાં ચોમાસા દરમ્યાન ડેમની મહત્તમ સપાટી 622 ફૂટની સાપેક્ષમાં 621 ફૂટ સુધી પાણી ભરાયું હતું. અરવલ્લી ડુંગરમાળાઓના ઉપરવાસમાંથી થતી વરસાદી પાણીની આવક અને હેઠવાસમાં છોડવામાં આવેલા પાણીના જથ્થાનું મોનીટરીંગ કરવામાં સફળતા મળતાં સપાટી જળવાઈ રહી હતી. જેના કારણે શિયાળુ વાવેતરમાં પણ સિંચાઈ માટે પાણી આપી શકાયું હતું. હવે, આગામી જૂન મહિના દરમિયાન એક ભારે વરસાદ થાય તો ધરોઈ ડેમ પુનઃ જળસમૃધ્ધ બની શકે તેમ છે અને ધરોઈના પાણીથી તળાવો જળસમૃધ્ધ કરવાની યોજના સફળ થઈ શકે તેમ છે.