ઇન્ટરનેશનલ ડેસ્કઃ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ગુરુદ્વારા પર થયેલા હુમલાની જવાબદારી ઈસ્લામિક સ્ટેટે લીધી છે. હવે એવા અહેવાલ છે કે, આ હુમલો પયગંબર મોહમ્મદ વિશે કરવામાં આવેલી ટિપ્પણીના જવાબમાં કરવામાં આવ્યો હતો. આ હુમલામાં બે લોકોના મોત થયા હતા. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રવક્તાએ ટીવી ડિબેટ દરમિયાન પયગંબર વિશે નિવેદન આપ્યું હતું. ત્યારબાદ મોટો વિવાદ સર્જાયો હતો.
આતંકવાદી સંગઠનના એક સ્થાનિક સહયોગીએ તેની ટેલિગ્રામ ચેનલ પર લખ્યું કે, આ હુમલો પયગંબર મોહમ્મદના અપમાનની પ્રતિક્રિયા છે. ખોરાસાન પ્રાંતના ઇસ્લામિક સ્ટેટે જણાવ્યું હતું કે, ‘તેમના એક લડવૈયાએ કાબુલમાં એક હિન્દુ અને શીખ મંદિરમાં પ્રવેશ કર્યો, તેણે ગાર્ડને મારીને અંદર મૂર્તિપૂજકો પર મશીનગન અને હેન્ડ ગ્રેનેડનો ઉપયોગ કર્યો હતો.’
ઉલ્લેખનીય છે કે, આના થોડાં દિવસો પહેલા ISKPએ એક વીડિયો જાહેર કર્યો હતો, જેમાં તેને હિન્દુઓ અને શીખો પર હુમલાની ચેતવણી આપવામાં આવી હતી. આતંકવાદી સંગઠન દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ સાથે માર્ચ 2020માં ગુરુદ્વારા પર હુમલાની પણ વાત થઈ હતી. આતંકવાદી સંગઠને આવા વધુ હુમલાની ચેતવણી આપી હતી. અફઘાનિસ્તાનમાં શીખો લઘુમતી છે. અહેવાલ છે કે, તાજેતરની ઘટના બાદ સરકારે 100 શીખ અને હિન્દુઓને ઈ-વિઝા આપ્યા છે.
શનિવારે ગુરુદ્વારામાં અનેક વિસ્ફોટો થયા હતા, જેમાં એક શીખ સહિત બે લોકો માર્યા ગયા હતા અને સાત અન્ય ઘાયલ થયા હતા. ત્યારે અફઘાન સુરક્ષા કર્મચારીઓએ વિસ્ફોટકોથી ભરેલા વાહનને ગુરુદ્વારામાં પ્રવેશતા અટકાવીને મોટી ઘટનાને ટાળી હતી. પાઝવોક સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો છે કે, તાલિબાન સુરક્ષા દળો દ્વારા ત્રણ હુમલાખોરો માર્યા ગયા છે.
તાલિબાન દ્વારા નિયુક્ત ગૃહ બાબતોના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનમાં શીખ સમુદાયના પૂજા સ્થળ પર તાજેતરના લક્ષિત હુમલામાં કાબુલના બાગ-એ-બાલા વિસ્તારના કર્તે પરવાન ગુરુદ્વારા પર શનિવારે સવારે હુમલો કરવામાં આવ્યો હતો અને આતંકવાદીઓ અને તાલિબાન લડવૈયાઓ વચ્ચે કેટલાક કલાકો સુધી હુમલો ચાલ્યો હતો.