બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને ગુજરાત હાઈકોર્ટમાંથી મળી રાહત, શું છે સમગ્ર મામલો ?
ગુજરાત હાઈકોર્ટે બુધવાર (24 મે)ના રોજ એક જનહિતની પીઆઈએલ પર તાત્કાલિક સુનાવણીનો ઈનકાર કર્યો હતો. જેમાં પોલીસને નિર્દેશ આપવાની માંગ કરાઈ હતી કે ધીરેન્દ્ર શાસ્ત્રીના આગામી કાર્યક્રમો દરમિયાન કોઈ સાંપ્રદાયિક બાબતોને પોત્સાહન આપવાવાળી ગતિવિધિ ન થાય.
26મેથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો કાર્યક્રમ
ધીરેન્દ્ર શાસ્ત્રી મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં આવેલા બાગેશ્વર ધામના મુખ્ય પૂજારી છે. અરજદારે હાઈકોર્ટને એ આધાર પર વિનંતી કરી હતી કે ધીરેન્દ્ર શાસ્ત્રીનો ‘દિવ્ય દરબાર’ કાર્યક્રમ 26 મેના રોજ શરૂ થવાનો છે, પરંતુ જસ્ટિસ એસવી પિન્ટોએ આ મામલાની તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો.
ગુજરાતના 4 શહેરોમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર
પીટીશન દાખલ કરનાર એડવોકેટ કે.આર.કોષ્ટીએ કોર્ટને જણાવ્યું હતું કે ધીરેન્દ્ર શાસ્ત્રીની દિવ્ય અદાલત ગુજરાતના ચાર શહેરો- સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં 26 મેથી 7 જૂન વચ્ચે યોજાનાર છે. કે.આર. કોષ્ટીએ કોર્ટને વિનંતી કરી કે તેઓ આગામી કાર્યક્રમોમાં વક્તાઓને ભડકાઉ ભાષાનો ઉપયોગ કરતા અટકાવવા માટે અત્યારથી જ સત્તાવાળાઓને નિર્દેશ આપે, જેથી નફરત ફેલાવવાવાળા ભાષણો પર રોક લગાવી શકાય.
‘રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટના નિર્દેશોનો અમલ કર્યો નથી’
અરજદારના વકીલે દાવો કર્યો હતો કે રાજ્ય સરકારે તહસીન પૂનાવાલા કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્દેશોનો અમલ કર્યો નથી, જેમાં નિવારક અને ઉપચારાત્મક પગલાં સૂચવવામાં આવ્યા હતા. અરજદારે કહ્યું કે ધીરેન્દ્ર શાસ્ત્રી પર રાજસ્થાનના ઉદયપુરમાં કથિત દ્વેષપૂર્ણ ભાષણ માટે કેસ દાખલ કરવામાં આવ્યો છે અને મધ્યપ્રદેશ,મહારાષ્ટ્ર અને બિહારમાં તેમના કાર્યક્રમો પછી આવી જ માંગણીઓ કરવામાં આવી હતી. આ અંગે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
આ પણ વાંચો: નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન પર રાજકારણ ગરમાયું, વિરોધી પક્ષોએ કરી બહિષ્કારની જાહેરાત