ટોપ ન્યૂઝનેશનલ

નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન પર રાજકારણ ગરમાયું, વિરોધી પક્ષોએ કરી બહિષ્કારની જાહેરાત

પીએમ મોદીના હસ્તે નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનનો  વિરોધ વિરોધી પક્ષોએ પણ શરૂ કરી દીધો છે. AAP, TMC અને NCP જેવા વિરોધ પક્ષોએ ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે.

નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન પર રાજકારણ તેજ

રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં સંસદ ભવનનું નવું બિલ્ડીંગ તૈયાર થઈ ગયું છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાની વિનંતી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ તેનું ઉદ્ઘાટન કરશે. એક તરફ જ્યાં ઉદ્ઘાટન સમારોહની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે તો બીજી તરફ આ મુદ્દે રાજકારણ પણ તેજ બન્યું છે. રાહુલ ગાંધીના વિરોધ બાદ હવે અન્ય વિપક્ષી દળોએ પણ પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટનનો વિરોધ શરૂ કર્યો છે. AAP, TMC અને NCP જેવા વિરોધ પક્ષોએ ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે.

રાષ્ટ્રપતિના હસ્તે ઉદ્ઘાટન કરવાની માંગ

વડાપ્રધાન મોદી દ્વારા નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાની માહિતી સામે આવ્યા બાદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સૌથી પહેલા આ નિર્ણય સામે મોરચો ખોલ્યો હતો. રાહુલે ટ્વીટ કરીને વડાપ્રધાન દ્વારા ઉદ્ઘાટનનો વિરોધ કર્યો હતો. તેમણે લખ્યું હતું કે, નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિએ કરવું જોઈએ, વડાપ્રધાને નહીં. આ પછી અન્ય વિપક્ષી દળો પણ તેમના અવાજમાં જોડાવા લાગ્યા.

સંસદ ભવન -humdekhengenews

આમ આદમી પાર્ટીએ  કરી બહિષ્કારની જાહેરાત

કેન્દ્ર સરકારના વટહુકમ વિરુદ્ધ વિપક્ષી નેતાઓનું સમર્થન મેળવવા માટે અભિયાન ચલાવી રહેલી આમ આદમી પાર્ટીએ નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કર્યો છે. પાર્ટીના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. AAPએ ઉદ્ઘાટન સમારોહમાં રાષ્ટ્રપતિને આમંત્રણ ન આપવાના નિર્ણયનો વિરોધ કર્યો છે.

આ પક્ષોએ  પણ કર્યો હતો વિરોધ

આમ આદમી પાર્ટી ઉપરાંત TMC, NCP અને CPIએ પણ સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. લોકસભામાં ટીએમસી નેતા સુદીપ બંધોપાધ્યાયે આ અંગે માહિતી આપી છે. તેમણે કહ્યું કે તેમની પાર્ટી વડાપ્રધાનના ઉદ્ઘાટનના નિર્ણયની વિરુદ્ધ છે. તેવી જ રીતે CPI અને CPMએ પણ કાર્યક્રમનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. શરદ પવારની પાર્ટી એનસીપીએ પણ આ કાર્યક્રમમાં ભાગ ન લેવાનું કહ્યું છે.

કોંગ્રેસ  પણ કરી શકે છે બહિષ્કાર

નવા સંસદભવનના ઉદ્ઘાટન સમારોહ પર સૌપ્રથમ પ્રશ્નો ઉઠાવનાર કોંગ્રેસ પણ આ કાર્યક્રમથી દૂર રહી શકે છે. જોકે, હાલમાં આ મામલે પાર્ટી તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. પરંતુ પાર્ટીએ ઉદ્ઘાટનની તારીખને લઈને મોદી સરકાર પર ચોક્કસપણે પ્રહારો કર્યા છે. કોંગ્રેસે કહ્યું કે 28 મે એ હિન્દુત્વના વિચારક વિનાયક દામોદર સાવરકરની જન્મજયંતિ છે. આ દિવસે દેશના નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવું એ રાષ્ટ્રનિર્માતાઓનું અપમાન છે.

પીએમ મોદીએ કર્યો હતો શિલાન્યાસ 

સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ બનેલું નવું સંસદ ભવન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. તેનો શિલાન્યાસ ખુદ પીએમ મોદીએ ડિસેમ્બર 2020માં કર્યો હતો. કોરોના હોવા છતાં તેના નિર્માણ કાર્યને અસર થઈ નથી. 28 મેના રોજ કેન્દ્રમાં તેમની સરકારના 9 વર્ષ પૂર્ણ થવા પર વડા પ્રધાન દેશને નવું સંસદ ભવન ભેટ આપશે.

 આ પણ વાંચો : ‘અનુપમા’ સીરિયલના આ સ્ટારે દુનિયા છોડી, ટીવી ઈન્ડસ્ટ્રીમાં છવાયો શોક

Back to top button