બનાસકાંઠા : ડીસા -પાટણ હાઈવે ઉપર ભોપાનગર ફાટકે ઓવરબ્રિજને સૈદ્ધાંતિક મંજૂરી
- રાજ્યસભાના સાંસદ દિનેશભાઈ અનાવાડીયાની રજૂઆતના પગલે ગુજરાત સરકારે આપી મંજૂરી
પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના તાલુકા મથક ડીસાથી પાટણ તરફના 200 થી વધુ ગામડાઓના લોકો ડીસા સાથે સંકળાયેલા છે.જેઓ સારવાર, ખરીદી,કૃષિ પાકોના વેચાણ કે રોજગાર માટે રોજિંદુ અપડાઉન કરે છે પરંતુ આ વિસ્તારના ખેડૂતો, પશુપાલકો અને પ્રજાને ભોપાનગર પાસેની ફાટક નડતરરૂપ રહે છે તેમાં પણ છેલ્લા પાંચ વર્ષથી કંડલા મુદ્રા પોર્ટ તેમજ દિલ્હી તરફની માલવાહક ગાડીઓના કારણે ફાટક અવારનવાર બંધ રહે છે.તેથી ડબલ લાઇન બન્યા બાદ હાલાકી વધી પડી છે.જેને ગંભીરતાથી લઈ જાગૃત રાજ્યસભાના સાંસદ દિનેશભાઈ અનાવાડીયાએ માર્ચ 2022 માં રેલવે મંત્રાલયને ફ્લાય ઓવર બ્રિજ બનાવવા માટે રજૂઆત કરેલ.
અને સતત રજુઆત બાદ તેની કાર્યવાહી આગળ ચાલતા છેલ્લે એપ્રિલ 2023 માં ગુજરાત સરકારે આ ફ્લાય ઓવરબ્રિજને સૈદ્ધાંતિક મંજૂરી આપી કેન્દ્ર સરકારને મોકલેલ. જેના પગલે માર્ગ અને મકાન વિભાગ પાલનપુર દ્વારા રેલવે મેનેજર અમદાવાદને સંયુક્ત રીતે સ્થળ નિરીક્ષણ તેમજ બ્રિજની જરૂરિયાતની માહિતી માટે તારીખ 20/5 /23 ના રોજ પત્ર લખેલ. જેના કારણે ટૂંક સમયમાં કેન્દ્રના રેલવે અધિકારીઓ માર્ગ અને મકાન વિભાગ સાથે સ્થળ નિરીક્ષણ કરશે. જેમના રિપોર્ટ આધારે કેન્દ્ર સરકારને મંજૂરી માટે દરખાસ્ત મોકલાશે.જેથી નજીકના ભવિષ્યમાં આ રેલવે ફાટક ઉપર ફ્લાય ઓવરબ્રિજ બની જતા લોકોને ટ્રાફિકજામમાંથી કાયમી છુટકારો મળશે.
લોકોમાં ખુશીનો માહોલ
ડીસાથી પાટણ અને છેક સૌરાષ્ટ્રને જોડતા હાઇવે ઉપર રાત દિવસ વાહનોનો વધુ ઘસારો રહે છે પરંતુ ભોપાનગર ફાટક વારંવાર બંધ રહેવાના કારણે લોકો સાથે વાહન ચાલકોને ટ્રાફીકમાં અટવાવું પડે છે. જે બાબતે મીડિયામાં અવારનવાર કાગારોળ પણ મચે છે પણ હવે ગુજરાત સરકારે બ્રિજની સૈદ્ધાંતિક મંજૂરી આપતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે.
બ્રિજનું કામ ટૂંક સમયમાં શરૂ કરી દેવાશે : સાંસદ
આ બાબતે સાંસદ દિનેશભાઇ અનાવાડીયાએ જણાવ્યું હતું કે, હાઇવે ઉપર આવેલ ફાટકનો પ્રશ્ન ગંભીર હતો.જેથી મેં આ બાબતે ગુજરાત સરકાર અને કેન્દ્રમાં પણ રજુઆત કરી હતી અને તેનું અવારનવાર ફોલોઅપ પણ લેતો હતો.જેના પગલે આખરે ગુજરાત સરકારે ફ્લાય ઓવરબ્રિજ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે અને હવે જરૂરી વહીવટી કાર્યવાહી પણ સત્વરે પૂર્ણ કરી બ્રિજનું કામ પણ ટૂંક સમયમાં શરૂ કરી દેવાશે.
આ પણ વાંચો : નોકરી… નોકરી… નોકરી… રાજ્ય સરકાર આ વિભાગમાં કરશે બમ્પર ભરતી.. શરૂ કરો તૈયારી