- 49 પ્લોટ વેચાણ માટે મુક્યા પણ એક પણ ખરીદાર નહી
- સાબરમતી રિવરફ્રન્ટ બન્યાને 18 વર્ષ થયા
- પ્લોટોની બેઝ પ્રાઇઝ નક્કી પણ નથી કરી શકાઇ
અમદાવાદમાં AMC દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો છે. પરંતુ હજુ સુધી સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટમાંથી કોઈ આવક થઈ નથી. છેલ્લાં 18 વર્ષોમાં સાબરમતી રિવરફ્રન્ટમાં 49 જેટલા પ્લોટોનું વેચાણ કરવા કે ગગનચૂંબી ઈમારતો બનાવવાની વાત તો દૂર, પરંતુ 49 પ્લોટ માટે બેઝ પ્રાઈસ પણ નક્કી કરી શકાઈ ન હોવાનું વિપક્ષી નેતા શેહજાદખાન પઠાણે જણાવ્યું છે.
આ પણ વાંચો: અમદાવાદમાં આટલી સ્પિડ પર વાહન હંકારવુ એ ગુનો, રૂ.4 હજાર સુધીનો દંડ આવશે
સાબરમતી રિવરફ્રન્ટ બન્યાને 18 વર્ષ થયા
AMCની આર્થિક સ્થિતિ કથળેલી છે અને વિકાસ કાર્યો માટે મ્યુનિ.ને કરોડોની લોન લેવી પડે છે. આ સંજોગોમાં સાબરમતી રિવરફ્રન્ટ પાછળ કરોડોનો ખર્ચ કરવાને કારણે શહેરની પ્રાથમિક સુવિધાઓ પર માઠી અસર પડે છે. સાબરમતી રિવરફ્રન્ટની બોર્ડ મીટીંગમાં શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે, સાબરમતી રિવરફ્રન્ટ પર ગગનચુંબી ઈમારતો બનવાને લીધે અમદાવાદ મેનહટન સિટી જેવું બની જશે તેવા કરાયેલા દાવા પોકળ પુરવાર થયા છે.
આ પણ વાંચો: UPSC સિવિલ સર્વિસનું પરિણામ જાહેર, ટોપમાં દીકરીઓ છવાઇ
રિવરફ્રન્ટમાં 49 પ્લોટ માટેની બેઝ પ્રાઈસ પણ નક્કી કરી શકાઈ નથી
સાબરમતી રિવરફ્રન્ટ બન્યાને 18 વર્ષ થવા છતાં એક પણ ગગનચુંબી ઈમારત બની નથી એટલું જ નહીં પરંતુ રિવરફ્રન્ટમાં 49 પ્લોટ માટેની બેઝ પ્રાઈસ પણ નક્કી કરી શકાઈ નથી. રિવરફ્રન્ટ પર કરોડોના ખર્ચે બનાવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કરાતું નથી. રિવરફ્રન્ટના પ્લોટોનું વેચાણ કરીને આવક ઉભી કરીને શહેરનો વિકાસ કરવાની ઈચ્છાશક્તિ નથી. ભાજપની વહીવટી અણઆવડતના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે.
આ પણ વાંચો: અમદાવાદમાં આ ગાર્ડનના લોકાર્પણ પહેલાં રૂ.35 લાખનો મેન્ટેનન્સ ખર્ચ મંજૂર
દર વર્ષે 9.00 કરોડ જેટલી માતબર રકમ ચૂકવવામાં આવે છે
રિવરફ્રન્ટ કોર્પોમાં સીક્યુરિટી ગાર્ડ સપ્લાય કરવા બાબતે પેન્થર સર્વેલન્સ પ્રા. લી.ને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. આ એજન્સી દ્વારા 383 જેટલા સીક્યુરીટી ગાર્ડ સપ્લાય કરવામાં આવે છે. તેને દર વર્ષે 9.00 કરોડ જેટલી માતબર રકમ ચૂકવવામાં આવે છે તેમ છતાં રિવરફરન્ટ વિસ્તારમાં ચોરી, છેડતી, ગુનાખોરી અને ખાસ કરીને ડ્રગ્સનું વેચાણ અને ગેરકાયદે પ્રવૃતિ વધતી જાય છે. આમ, આ સીક્યુરીટી એજન્સી તદ્દન નિષ્ફ્ળ નીવડી છે.