અમદાવાદગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ
ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલના નામે કોણે ફોન કરી કલાર્કની બદલી કરી દેવાનું કહ્યું ?
ગુજરાતની ભાજપ સરકારમાં પક્ષના નેતાઓનું વધુ અને અધિકારીઓ તેમજ પદાધિકારીઓનું ઓછું ચાલતું હોય તેમ કોઇની પણ બદલી કરી દેવા માટે ટોચના નેતાનો ફોન અધિકારીને કરી તાત્કાલિક પગલાં ભરવા જણાવવામાં આવ્યું હોય ત્યારે કોઈપણ પગલું ભરતા પહેલા તેની ખરાઈ કરવી જરૂરી છે અને તેના જ કારણે આજે એક નિર્દોષ કર્મચારીનો ભોગ લેવાતા રહી ગયો છે. વાત એવી છે કે ભાજપના પ્રદેશ પ્રમુખનું નામ વાપરીને એક વ્યક્તિએ પોતાને નડતા સરકારી ક્લાર્કને બદલી કરવા માટે અધિકારીને ફોન કરી દીધો હતો. દરમિયાન આ વાત સાયબર ક્રાઇમ અમદાવાદ પાસે આવી અને પોલીસે ખોટો ફોન કરનાર શખ્સને ઝડપી લીધો છે.
ભાજપના પ્રવક્તા – મીડિયા કન્વીનરે નોંધાવી ફરિયાદ
આ સમગ્ર મામલે ભાજપના પ્રવક્તા – મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેએ સાઇબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, રાજકોટમાં માર્ગ-મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર એન જી સીલુના ફોન ઉપર એક અજાણ નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કર એ પોતે સી આર પાટીલના પીએ હોવાનું જણાવ્યું હતું અને કહ્યું હતું કે સી.આર.પાટીલ સાહેબ સાથે વાત કરો. ત્યારબાદ સામેવાળી વ્યક્તિએ સી.આર.પાટીલ બનીને એન્જિનિયરને કહ્યું કે અમરેલીમાં કામ કરતો ક્લાર્ક કુલદીપ આઉટસોર્સિંગના સ્ટાફને બહુ પરેશાન કરે છે તેને તાત્કાલિક ત્યાંથી હટાવી દો ત્યારબાદ ફોન મૂકી દીધો હતો. આ પ્રકારે ફોન થયો હોવાની જાણ ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેને જાણ થઇ હતી. જેમણે તાત્કાલિક અમદાવાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ ફોન કરનાર વ્યક્તિ ભરત વાઘાણી સુરતનો રહેવાસી છે. તેણે અમરેલીમાં સાફ – સફાઈનો આઉટસોર્સિંગનો કોન્ટ્રાક્ટ લીધો હતો. તેને કુલદીપ સાથે ઘણી વખત રકઝક થતી હતી. જેથી તેણે આ પ્રકારે નામ બદલીને કાર્યપાલ એન્જિનિયરને ફોન કર્યો હતો. હાલ અમદાવાદ સાઇબર ક્રાઇમ એની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.