ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ટેન્કર રાજ, પાણી વગર આ વિસ્તાર બેહાલ

  • AMC 5 વોર્ડમાં ટેન્કરથી પાણી આપવા રૂ.44 લાખનો ખર્ચો કરશે
  • વસ્ત્રાલ, ગોમતીપુર, નિકોલ, વિરાટનગર અને ભાઇપુરા વોર્ડમાં પીવાના પાણીની સમસ્યા
  • વિવિધ ચાલીઓમાં પાણીના ટેન્કર આપવા માટે કવાયત શરૂ

ગુજરાતમાં એકમાત્ર ધમધમતું મેગાસિટી કહી શકાય તેવા અમદાવાદ શહેરમાં રહેવું તે દરેક અમદાવાદી માટે ગૌરવની વાત છે. પરંતુ મેગાસિટીમાં પૂર્વ વિસ્તારનો વિકાસ તો દૂર તેમને પાયાની જરૂરિયાતો પણ પુરી પાડવામાં સરકારી તંત્ર ઉણું ઉતરી રહ્યું છે. તેનો ઉત્તમ ઉદાહરણ કરી શકાય કે પૂર્વના વસ્ત્રાલ, ગોમતીપુર, નિકોલ, વિરાટનગર અને ભાઇપુરા વોર્ડમાં પણ પીવાના પાણીની સમસ્યાથી લોકો પરેશાન હોવાથી તેમના માટે રૂ.43.74 લાખના ખર્ચે પાણીના ટેન્કર પુરા પાડવાનું આયોજન મ્યુનિ.એ કર્યું છે.

આ પણ વાંચો: કોઇપણ વિદ્યાર્થી ઘરે બેઠા ગુજરાત યુનિવર્સિટીમાં ભણી શકશે 

મેગાસિટીના પૂર્વ વિસ્તારમાં આજે પણ ટેન્કર રાજ

મેગાસિટીના પૂર્વ વિસ્તારમાં આજે પણ ટેન્કર રાજ ચાલી રહ્યું હોવાનું ખુદ મ્યુનિ.તંત્ર જ કહી રહ્યું છે. એટલે ટેક્સ ઉઘરાણીમાં અવ્વલ તંત્ર ઘરે-ઘરે પીવાના પાણીની સુવિધા આપવામાં જ ‘પાણીમાં’ બેસી ગયું હોય તેવું લાગી રહ્યું છે. શહેરના વિવિધ વોર્ડમાં પીવાના પાણી આજે પણ પ્રદૂષિત અને ઓછા પ્રેશરથી આવતા હોવાની ફરિયાદો વારંવાર ઉઠે છે. ત્યારે પૂર્વના પાંચ વોર્ડમાં પીવાના પાણીની સમસ્યાનો નિકાલ લાવવા મ્યુનિ કોર્પોરેશને ટેન્કરથી પાણી આપવા માટે ટેન્ડર બહાર પાડયું છે. જેમાં વસ્ત્રાલ વોર્ડમાં પોકેટ-1,2 અને 4માં સમાવેશ થતાં વિસ્તારો જેવા કે મેટ્રો રોડથી ડાબી બાજુનો તક્ષશિલા સુધીનો વિસ્તાર અને આસપાસનો અન્ય વિસ્તાર થતા મેટ્રો રોડથી જમણી બાજુના વિસ્તાર ઉપરાંત એસ.પી રીંગરોડ પછીના વિસ્તારમાં મળીને કુલ રૂ.15 લાખના ખર્ચે ટેન્કરથી પાણી આપવાનું નક્કી કરાયું છે.

વિવિધ ચાલીઓમાં પાણીના ટેન્કર આપવા માટે કવાયત શરૂ

ગોમતીપુર વોર્ડમાં રખિયાલ, જુના રખિયાલ અને રાજપુર વિસ્તારમાં પ્રદૂષિત પાણી અને ઓછા પ્રેશરથી પાણી આવતા હોવાથી રૂ.11,79,500 ના ખર્ચે પાણીના ટેન્કર પહોચાડાશે. જ્યારે નિકોલ વોર્ડમાં પોકેટ-1 અને કઠવાડા સહિતના વિવિધ વિસ્તારોમાં માટે રૂ.9,98,500 ના ખર્ચો કરવાનું અને વિરાટનગર વોર્ડના નિકોલ વિસ્તારમાં પ્રદૂષિત પાણી અને લો પ્રેશરથી પાણી આવતા હોવાથી વિવિધ ચાલીઓમાં ટેન્કરથી પાણી આપવા રૂ.4,99,500 ખર્ચ કરવાનું આયોજન કરાયું છે. જો કે સૌથી ઓછો રૂ.1,96,500 નો ખર્ચ ભાઇપુરા વોર્ડમાં નવા અને જુના સિમાંકનની વિવિધ ચાલીઓમાં પાણીના ટેન્કર આપવા માટે કરાશે.

Back to top button