આખરે 5 વર્ષ બાદ એજ તારીખે ડીસાનો વિવાદિત બગીચો ખુલ્લો મુકાયો : બાળકોના કલબલથી ગુંજી ઉઠ્યો
- ચાર ધારાસભ્ય અને પાલિકા પ્રમુખના હસ્તે લોકાર્પણ
પાલનપુર : ડીસામાં પાંચ વર્ષ અગાઉ બંધ થયેલો વિવાદિત બગીચોનો આખરે લોકાર્પણ થયો છે. ચાર ધારાસભ્ય અને પાલિકા પ્રમુખના હસ્તે લોકાર્પણ થતાં જ બગીચો બાળકોના કલબલથી ગુંજી ઉઠ્યો હતો.
ડીસામાં અંદાજિત સવા બે કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલો નાનાજી દેશમુખ બગીચો જમીનની ટેક્નિકલ બાબતોને લઈ વિવાદમાં સપડાયો હતો, અને ભાજપના જ આંતરિક વિખવાદના કારણે આ બગીચો શરૂ થાય તે દિવસે જ તેના પર સ્ટે આવતા તાળું લાગી ગયું હતું.
જે બાદ સ્થાનિક ગ્રામજનો, જાગૃત નાગરિક સુભાષ ઠક્કર અને આમ આદમી પાર્ટીના આગેવાનોએ વારંવાર રજૂઆત અને હાઇકોર્ટ સુધી કાનૂની લડાઈ લડી હાઇકોર્ટે આ બગીચાને લોકો માટે યથાસ્થિતિમાં લોકો સમક્ષ ખુલ્લો મુકવાનો હુકમ કરતા આ બગીચાનું લોકાર્પણ કરાયું હતું.
તા.20 મે 2018ના રોજ આ બગીચા પર સ્ટે આવ્યા બાદ બંધ થયો હતો. બરાબર પાંચ વર્ષ બાદ 20 મે 2023ના રોજ આ બગીચાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.રાજ્યસભા સાંસદ દિનેશ અનાવાડીયા, ધારાસભ્ય પ્રવીણ માળી, ધારાસભ્ય અનિકેત ઠાકર, અસારવા ધારાસભ્ય દર્શના વાઘેલા, ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ અને પાલિકા પ્રમુખ રાજુ ઠક્કર સહિત નગરસેવકો અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની ઉપસ્થિતિમાં આજે આ બગીચાને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર લોકાર્પણ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય પ્રવીણ માળી અને નગરપાલિકા પ્રમુખ રાજુ ઠક્કરે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકાર હંમેશા લોકોના સુખાકારી માટે કામ કરે છે. સરકારની અમૃત વન યોજના હેઠળ અંદાજિત અઢી કરોડના ખર્ચે લોકો માટે બનાવેલો બગીચો આજે લોકોને અર્પણ કરતા ખૂબ જ ખુશી અનુભવીએ છીએ.
આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસામાં ભોપાનગર પાસે ફાટક વારંવાર બંધ રહેતા રત્ન કલાકારોને હાલાકી, ઓવરબ્રિજ બનાવવાની માંગ