ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસામાં ભોપાનગર પાસે ફાટક વારંવાર બંધ રહેતા રત્ન કલાકારોને હાલાકી, ઓવરબ્રિજ બનાવવાની માંગ

  • કહ્યું- ધંધા પર સમયસર ન પહોંચી શકતા નુકસાન થઈ રહ્યું છે

પાલનપુર : ડીસા-પાટણ હાઇવે પર આવેલો ભોપાનગર પાસેની રેલવે ફાટક વારંવાર બંધ રહેતા 5000થી પણ વધુ રત્ન કલાકારો હાલાકી ભોગવી રહ્યા છે. વારંવાર ટ્રાફિક સમસ્યાથી કંટાળેલા રત્ન કલાકારોએ ઓવરબ્રીજ બનાવવાની માગ સાથે આજે (સોમવારે) નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

ડીસા-પાટણ હાઈવે પર આવેલો ભોપાનગર પાસેનો રેલવે ફાટક લોકો માટે માથાના દુ:ખાવા સમાન બની ગયો છે. અહીં દિવસભર હજારો વાહનો આ માર્ગ પરથી પસાર થાય છે અને વારંવાર ફાટક બંધ થઈ જતા બંને તરફ વાહનોની લાંબી કતાર લાગી જાય છે. જ્યારે ફાટક ખુલતા જ વાહન ચાલકો સામસામે આવી જતા લોકોએ કલાકો સુધી ટ્રાફિકમાં અટવાઈ રહેવું પડે છે. દિવસમાં અનેક વખત આ ટ્રાફિકની સમસ્યા સર્જાતા અહીંથી પસાર થતાં હજારો વાહન ચાલકોની સાથે સાથે રોજના અંદાજિત 5000 જેટલા રત્ન કલાકારો પણ આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે. ફાટક બંધ હોવાના કારણે સમયસર ધંધાના સ્થળે નથી પહોંચી શકતા, કે સાંજે છુટ્યા બાદ ઘરે પણ સમયસર નથી પહોંચી શકતા. જેથી કંટાળેલા રત્ન કલાકારોએ આજે નાયબ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી ઓવરબ્રીજ બનાવવાની માગ કરી હતી.


અત્યારે ઉનાળાની કાળજાળ ગરમી ચાલી રહી છે અને ડીસા-પાટણ હાઈવે પરથી પસાર થતા હજારો વાહન ચાલકો ભોપાનગર પાસે રેલવે ફાટક પર સર્જાતી ટ્રાફિક સમસ્યાથી પીડાઈ રહ્યા છે. ઘણી વખત અકસ્માત કે મહિલાઓને ડિલિવરી માટે લઈ જતી ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સ પણ ફાટક બંધ હોવાના કારણે ટ્રાફિક જામમાં ફસાઈ જાય છે. સારવાર માટે જતા લોકોને વધારે તકલીફ ભોગવવી પડે છે.


આ અંગે રત્નકલાકાર એસોસિએશનના આગેવાન રામા પ્રજાપતિ અને રામ પટેલે જણાવ્યું હતું કે, આ માર્ગ પરથી રોજના પાંચ હજાર જેટલા રત્ન કલાકારો અવરજવર કરે છે, પરંતુ દિવસમાં અનેક વખત આ રેલવે ફાટક બંધ થયા બાદ જે ટ્રાફિક જામ થઈ જાય છે. તેના કારણે રત્નકલાકારો તેમના ધંધાના સ્થળે પહોંચી શકતા નથી અને સાંજે છૂટ્યા બાદ ઘરે પણ સમયસર પહોંચતા નથી. જેના કારણે તેમના ધંધા રોજગાર ઉપર માઠી અસર પડે છે. ત્યારે ડીસાના ચૂંટાયેલા ધારાસભ્ય, સાંસદ સભ્ય અને સરકારી અધિકારીઓ આ ફાટક પર ઓવરબ્રિજ બનાવી લોકોની મુશ્કેલીઓ દૂર કરે તેવી વિનંતી કરી હતી.

આ પણ વાંચો : ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો હતા એક મંચ પર, ભાષણો બાદ થયું એવું કે કોંગ્રેસના ધારાસભ્ય……..

Back to top button