બનાસકાંઠા : કિડની ન મળતા નાની ઉંમરે સ્વજન ગુમાવવું પડતા પાલનપુરમાં ભાઇ-ભાભીએ લગ્ન તિથીના દિવસે અંગદાન સંકલ્પ પત્ર ભર્યુ
પાલનપુર : પાલનપુર તાલુકાના જસલેણી ગામના વતની અને પાલનપુર શહેરમાં નોકરી ધંધાર્થે રહેતા પરીવારના સ્વજનને નાની ઉમરે કિડનીની બિમારીના કારણે જીવ ગુમાવતા ભાઇ-ભાભીએ તે પીડાને નરી આંખે જોતા આ પ્રકારે અન્ય કોઇ વ્યક્તિને એક અંગ માટે જીવ ગુમાવવાનો વારો ન આવે અને જરૂરીયાત મંદ વ્યક્તિને અંગો મળી રહે તે માટે લગ્નની ૨૫મી વર્ષગાંઠના દિવસે અંગદાનનું સંકલ્પ પત્ર ભર્યુ હતુ.
પાલનપુર તાલુકાના જસલેણી ગામના વતની અને હાલ પાલનપુર ફાંસિયા ટેકરા, કંથેરીયા હનુમાન વિસ્તારમાં રહેતા અને શિક્ષીકા તરીકે નોકરી કરતા રૂપલબેન હસમુખભાઇ મકવાણાના દિયર અને ખાનગી નોકરી કરતા હસમુખભાઇ મકવાણાના નાના ભાઇ રાજેશભાઇને 38 વર્ષની નાની ઉમરે શરીરની બંન્ને કીડનીઓ ફેલ થઇ ગઇ હતી.જેથી કિડની માટે નોંધણી કરાવી હતી.પરંતુ પાંચ વર્ષ સુધી કિડની ન મળતા નાની ઉમરમાં પરીવારના સ્વજનને ગુમાવવાનો વારો આવ્યો હતો.આ વેદના નરી આંખે જોનારા ભાઇ-ભાભીએ આ જોઇ નક્કી કર્યુ કે આપણા શરીરના અંગો મૃત્યુ પછી કંઈ કામ આવતા નથી. તો આ અંગોથી કોઇ વ્યક્તિને જીવનદાન મળે તેવુ કેમ ન કરવું જોઇએ. જેથી રૂપલબેન અને હસમુખભાઇની 21 મે 2023 રવિવારના રોજ તેમના લગ્ન જીવનના 25 વર્ષ પુરા થતા તે દિવસે પોતાના શરીરના તમામ અંગોનું દાન કરવાનું નક્કી કરી અંગદાનનુ ઓનલાઇન ફોર્મ ભરી સંકલ્પ કરી લોકોમાં પ્રેરણાદાયક ઉદાહરણ પુરું પાડ્યુ છે.
પરીવારના બે સભ્યોની કિડની મેચ થતી હતી પરંતુ તે આપી શકાય તેમ ન હતી
પરીવારના બે સભ્યની કિડની યુવકને મેચ થતી હતી. પરંતું તે કિડનીઓ વાળા વ્યક્તિઓને કિડનીમાં પથરીની બિમારી હોવાથી તે આપી શકાય તેમ ન હતી. તેમજ પાંચ વર્ષ સુધી કોઇ કિડની મળી ન હતી. જેથી પરીવારે સ્વજનને ગુમાવવાનો વારો આવ્યો હતો.
સ્વજન ગુમાવવાનું દુઃખ અમે પ્રત્યક્ષ અનુભવ્યું છે : રૂપલબેન મકવાણા
મારા દિયરનું કિડની ન મળવાના કારણે મોત થયુ હતુ.જેથી શરીરના કોઈ અંગની ખામીના કારણે કોઈ માં બાપે પોતાની હયાતીમાં પોતાના સંતાન ગુમાવવાનું દુઃખ શું હોય તે અમે પ્રત્યક્ષ અનુભવ્યું છે.આ કારણે જ અમે અંગદાનનો સંકલ્પ કર્યો છે.જેથી કરીને કોઈએ પોતાના સંતાનો, પતિ, પત્ની, ભાઈ – બહેન કે માતા- પિતા ને નજીવા કારણસર ગુમાવવા ના પડે.
આ પણ વાંચો : દિલ્હી હાઇકોર્ટે BBCને ગુજરાત રમખાણો પર વિવાદિત ડોક્યુમેન્ટ્રી અંગે સમન પાઠવ્યું