કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

ભાવનગરમાં ખખડધજ બનેલા ત્રણ માળીયા ક્વાર્ટરની સીડી તૂટી પડતા 6 ઘાયલ થયા

Text To Speech
  • કૈલાશનગર વિસ્તારમાં રવિવારે રાત્રે બનેલી ઘટનાથી ભય
  • ઇજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા
  • જૂના ત્રણ માળિયાના મકાનો નવા કરવા માંગ

ભાવનગર શહેરમાં ગઈકાલે રાતે જર્જરિત બનેલા મકાનની સીડી તૂટવાની ઘટના બની હતી. શહેરના ભરતનગર વિસ્તારમાં હાઉસિંગ બોર્ડની સોસાયટીઓમાં આવેલા ત્રણ માળીયાના અત્યંત બિસ્માર બિલ્ડિંગના બ્લોક નં.14ના દાદારાઓ ધડાકાભેર તૂટી પડતા દોડધામ અને દેકારો મચી ગયો હતો. આ દુર્ઘટનામાં 6 લોકો દબાઈ ગયા હતા. જો કે સદભાગ્યે ફાયર વિભાગે સત્વરે ઘટનાસ્થળે પહોંચીને તમામને બચાવી લેતા મોટી દુર્ઘટના ટળી હતી જેથી સૌ કોઇએ રાહતનો શ્વાસ લીધો હતો.

અગાઉ એકથી વધુ વખત જીવલેણ દુર્ઘટના સર્જાઇ ચૂકી

જો કે હજી આ ત્રણ માળીયામાં રહેનારાઓએ આક્ષેપ કર્યો હતો કે અમારી હાલત નિમ્ન મધ્યમ વર્ગની હોય વધુ ભાડુ ભરીને અન્યત્ર રહેવા જઇ શકીયે તેવી નથી આ તંત્ર કોઇ ભાડુ ચૂકવતું નથી એટલે અમારી હાલત તો આ ગમે ત્યારે ધસી પડે તેવા જર્જરિત મકાનોમાં રહેવું પડે તેવી છે. આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્તો અને અન્ય તમામને શિવાજી સર્કલના મહાપાલિકાના શેલ્ટર હાઉસમાં ખસેડાયા હોવાનું જાણવા મળ્યું હતુ.

જર્જરિત થઇ ગયેલી દાદરા ધડાકાભેર તૂટી પડ્યા
​​​​​​​​​​​​​​
મળતી માહિતી મુજબ, ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલા કૈલાસનગર ત્રણ માળીયામાં રવિવારે રાત્રિના 8.30 કલાકે બ્લોક નં.14ની ઇમારત જે તદ્દન જર્જરિત થઇ ગયેલી તેના દાદરા ધડાકાભેર તૂટી પડ્યા હતા. જો કે ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડને જાણ કરાતા તેમની ટીમે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કાર્ય શરૂ કરીને 1) ચંદ્રિકાબહેન લક્ષ્મણભાઇ સિદ્ધપુરા (ઉ.વ.60 રે.કૈલાસનગર), 2) દયાબહેન કાનશીભાઇ મકવાણા(ઉ.વ.73 રે.કૈલાસનગર), 3) રંજનબહેન હરેશભાઇ ચૌહાણ (ઉ.વ.50 રે.કૈલાસનગર), 4) સુનિતાબહેન પંકજભાઇ ચૌહાણ (ઉ.વ.28 રે.કૈલાસનગર), 5) અંશ પંકજભાઇ ચૌહાણ(ઉ.વ.03 રે.કૈલાસનગર), 6) જીલુભાઇ નાથાભાઇ હરકટ (ઉ.વ.55 રે.કૈલાસનગર)ને બહાર કાઢતા સૌ કોઇએ રાહતનો શ્વાસ લીધો હતો.

ઘર ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હોવાનો અધિકારીનો બચાવ

આ બનાવ બાદ ઘટના સ્થળે મોડેથી આવેલા હાઉસીંગ બોર્ડના અધિકારીએ જણાવ્યું હતુ કે આ મકાનો ખાલી કરી દેવા અંગે અગાઉ જ નોટિસ આપી દેવામાં આવી છે અને વારંવાર તેની યાદ પણ આપવામાં આવે છે આમ છતાં આ લોકો આ જર્જરિત મકાનમાં રહે છે.

Back to top button