ગામ નમૂના નંબરનો દાખલો કાઢી આપવા મહિલા તલાટીએ માંગી 2 લાખની લાંચ, સવા લાખ લેતા વચેટિયો ઝડપાયો
- દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં એસીબીની રેઈડ
- ખીરસરાની હર્ષા કારેણાએ માંગી હતી લાંચ
- ACBના સકંજામાં રાવલ ગામનો જયસુખભાઈ ઉર્ફે જલો પીપરોતર આવ્યો
- વચેટિયા બાદ મહિલા તલાટીની પણ કરાઈ અટકાયત
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામના મહિલા તલાટીએ એક આસામી પાસે ગામ નમૂનાનો દાખલો કાઢવા માટે બે લાખની રકમ માંગતા જાગૃત નાગરિક દ્વારા એ.સી.બી.નો સંપર્ક કરી ફરિયાદ કરવામાં આવી હતી. જેથી એસીબીએ છટકું ગોઠવ્યું હતું અને મહિલા તલાટી વતી સવા લાખની લાંચ લેતા રાવલ ગામના વચેટીયા તેમજ ત્યાર બાદ તલાટીને એસીબી પોલીસે દબોચી લીધા હતા.
2 લાખની માંગ સામે સવા લાખ આપવાનું નક્કી થયું હતું
મળતી વિગત મુજબ, ખીરસરા ગામે રહેતા એક આસામીના પિતાના નામનો ગામમાં આવેલો પ્લોટ નંબર 29 કે જેનો ગામ નમુના નંબર 2નો દાખલો કઢાવવા માટે આ ગામના તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા વર્ગ ત્રણના અધિકારી હર્ષાબેન આલાભાઈ કારેણા (ઉ.વ.34, રહે. જામ ખીરસરા, તા. કલ્યાણપુર)નો સંપર્ક કર્યો હતો. જેમાં તલાટી દ્વારા આ દાખલો કાઢી આપવા માટે બે લાખની લાંચની રકમની માંગણી કરી હતી. આ પછી રકઝકના અંતે રૂપિયા સવા લાખ આપવાનું નક્કી થયું હતું.
લાંચની રકમ સ્વીકારતા જ વચેટિયાને દબોચી લેવાયો
આ પ્રકરણમાં અરજદાર આસામી દ્વારા દેવભૂમિ દ્વારકા એન્ટી કરપ્શન બ્યુરો પોલીસ મથકનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જે અંગેની ફરિયાદ પરથી એસીબી સ્ટાફ દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ પ્રકરણમાં કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે જયસુખ ઉર્ફે જલો અરજણભાઈ પીપરોતર (રહે. જામ ખીરસરા)ની એક ઈલેક્ટ્રીકની દુકાનની બહારના ઓટલા ઉપર ફરિયાદી આસામી દ્વારા તલાટીને આપવા માટેની સવા લાખની લાંચની રકમ હેતુલક્ષી વાતચીત થયા બાદ દુકાનદાર જયસુખભાઈ ઉર્ફે જલો પીપરોતરને આપવામાં આવતા તરત એસીબી પોલીસ પ્રગટ થઈ હતી અને આ શખ્સને ઝડપી લીધો હતો.
તલાટીની અટકાયત કરી ગુનો દાખલ કરાયો
આ પછી તુરત જ તલાટી મંત્રી હર્ષાબેન આલાભાઈ કારેણાના રહેણાંક મકાનમાં એસીબી પોલીસે પહોંચી જઈ, ત્યાંથી મહિલા તલાટીની અટકાયત કરવામાં આવી હતી અને તેની સામે ગુનો દાખલ કરી મિલકત ઝડતી લેવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ કામગીરી રાજકોટના એસીબી એકમના મદદનીશ નિયામક વી.કે. પંડ્યાના માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પી.આઈ. આર.એમ. રાઠોડ દ્વારા કરવામાં આવી છે.